UAEમાં IPLના આયોજનને લઈ BCCIને ભારત સરકારની મંજુરી
નવી દિલ્હી, બીસીસીઆઈને યુએઈમાં આ વર્ષે આઈપીએલનું આયોજન કરવા માટે કેન્દ્ર સરકારની ઔપચારિક મંજુરી મળી ચુકી છે. આઈપીએલના અધ્યક્ષ બૃજેશ પટેલે આ અંગે સોમવારે ખુલાસો કર્યો. યુએઈમાં 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી ત્રણ શહેરો શારજાહ, અબૂ ધાબી અને દુબઈમાં આઈપીએલનું આયોજન થશે. સરકારે ગત સપ્તાહે દેશમાં કોરોનાના વધી રહેલા કેસોને કારણે યુએઈમાં ટુર્નામેન્ટ સ્થાનાંતરિત કરવા માટે બીસીસીઆઈને ઔપચારિક મંજુરી આપી દીધી છે.
બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું કે, જ્યારે એક ભારતીય રમત ટૂર્નામેન્ટને વિદેશમાં શિફ્ટ કરે તો તેને ક્રમશ: ગૃહ મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ એક્સર્નલ અફેર્સ અને રમત ગમત મંત્રાલયની મંજુરીની આવશ્યક્તા હોય છે. એકવાર સરકારની મૌખિક મંજુરી મળ્યા બાદ અમારે અમિરાત ક્રિકેટ બોર્ડને સુચિત કરવાનું હતું. હવે અમારી પાસે પુરતા પેપર્સ છે. તેથી ફ્રેન્ચાઈઝીને સુચિત કરી શકાય છે જ્યારે બધું જ ક્રમમાં છે અને આ ટૂર્નામેન્ટનું આયોજન હવે યુએઈમાં કોઈ પણ ચિંતા વગર કરી શકાશે. યુએઈ રવાના થવાની 24 કલાક પહેલાં મોટાભાગની ફ્રેન્ચાઈઝી 20 ઓગસ્ટે આરટી-પીસીઆર કોરોના ટેસ્ટ કરાવી શકાશે જે બાદ તેઓ સીધાં યુએઈ માટે જશે.