ઈસનપુરમાં વહેલી સવારે તસ્કરો ત્રાટક્યાઃ દાગીના, રોકડ,મતાની ચોરી
પરિવાર ધાબે ઉંઘતો રહ્યોઃ ચોરો તિજારી સાફ કરી ગયા |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ05062019: આજે વહેલી સવારે શહેરના ઈસનપુર વિસ્તારમાં એક મકાનમાં ચોરો ત્રાટક્યા હતા. અને મકાનની જાળી ખોલીને અંદર પ્રવેશ્યા બાદ તિજારીના તાળા તોડીને મંગળસૂત્ર, સોના-ચાંદીના દાગીના, કાંડા ઘડીયાળો, ઉપરાંત રોકડ રૂપિયા સહિતનો મુદ્દામાલ ચોરી ગયા હતા. સવારે જાગ્યા બાદ પરિવારને જાણ થતાં આ અંગે પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે ત્રિલોકચદ્ર બાબુલાલ ગજ્જર (પ૯) નિવૃત્ત જીવન ગુજારી રહ્યા છે. અને પોતાના પરિવાર સાથે ભાગ્યલક્ષ્મી પાર્ક સોસાયટી, કેડીલા રોડ, ઘોડાસર, ઈસનપુર, ખાતે રહે છે. ગઈકાલે જમ્યા બાદ મોડી રાત્રે સમગ્ર પરિવાર ધાબા પર સુવા ગયો હતો. બાદમાં આજે સવારે ત્રિકમલાલ વહેલા જાગી જતાં રસોડામાં પાણી પીવા આવ્યા હતા. જ્યાં રસોડાનો દરવાજા ખુલ્લો જાતાં તેમણે અન્ય રૂમમાં તપાસ કરતાં ઘરનો સામાન વેરવિખેર જાવા મળ્યો હતો. જેથી ત્રિકમલાલે પરિવારજનોને જગાડ્યા હતા. અને ચોરી અંગેની જાણ કરી હતી.
જેથી ઈસનપુર, પોલીસને જાણ કરાતા એ વહેલી સવારે ઘટના સ્થળે આવી પહોંચી હતી. પ્રાથમિક તપાસ બાદ વૃધ્ધ ત્રિકમલાલે સવારે પોણા ચાર વાગ્યાથી સાત વાગ્યા સુધીમાં અજાણ્યા ચોરો પાછળના દરવાજેથી ઘરમાં પ્રવેશીને તિજારીનું તાળુ તોડીને સોના-ચાંદીના દાગીના, રોકડ રૂપિયા ૧૬૦૦૦ ઉપરાંત કિંમતી ઘડીયાળો સહિત રૂપિયા નેવું હજારનો મુદ્દામાલ ચોરી થવાની ફરીયાદ નોંધાવી છે. પોલીસે આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવીને અજાણ્યા તસ્કરોની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.ે