રાજ્યમાં સૌપ્રથમ વખત ન્યૂ એજયુકેશન પોલિસી વિષય પર જીટીયુ દ્વારા વેબીનાર યોજાયો
‘’સ્ટાર્ટઅપ , ઈનોવેશન અને ક્રિએટિવિટીને પ્રોત્સાહન મળી રહે અને બાળકનોઃ સર્વાંગી વિકાસ થાય. તે પ્રકારે નવી શિક્ષણ નીતિ ઘડવામાં આવી છે. ‘’ – ભૂપેન્દ્રસિંહ ચુડાસમાઃ રાજ્યની તમામ ટેકનિકલ અને નોન ટેકનિકલ યુનિવર્સિટીના કુલપતિઓ સહિતના શિક્ષણવિદો દ્વારા તંદુરસ્ત ચર્ચા કરવામાં આવી.
અમદાવાદ, કાર્યક્રમના મુખ્ય અતિથિ અને ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ‘’ નવી શિક્ષણ નીતિ એ ભારતની ઓળખ છે. છેલ્લા ૩૪ વર્ષમાં પ્રથમ વખત આ પ્રકારની શિક્ષણ નીતિનું ઘડતર કરવામાં આવ્યું છે. જે આપણા દેશના ભાવી એવા બાળકોનો સર્વાંગી વિકાસ કરશે. ભારત સૌથી વધુ યુવા ધરાવતો દેશ છે , જેથી કરીને આ નીતિમાં યુવાનોના ઘડતર બાબતે , ખુબજ ભાર મૂકાયો છે. પ્રાઈમરી એજ્યુકેશનથી લઈને પી.એચ.ડી સુધીના અભ્યાસક્રમો બાબતે પણ તમામ પ્રકારનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે હેતુસર, તેમના અભ્યાસક્રમમાં ક્રિએટિવિટી, ઇનોવેશન , સ્ટાર્ટઅપ વગેરેને સાંકળીને એક ઉત્તમ પ્રકારની શિક્ષણ નીતિનું ઘડતર કરવામાં આવ્યું છે. જેનાથી આજનો વિદ્યાર્થી વિશ્વની કોઈપણ યુનિવર્સિટીના વિદ્યાર્થી સાથે તંદુરસ્ત સ્પર્ધામાં ભાગ લઈને આગળ વધી શકે.’’
કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ નવી શિક્ષણ નીતિને આગામી વર્ષોમાં લાગુ કરવા માટેના સકારાત્મક પગલાં ભરવામાં
આવ્યા છે. જેને અનુલક્ષીને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ( જીટીયુ ) ના ઇન્ટર્નલ ક્વૉલિટી એસ્યોરન્સ વિભાગ દ્વારા ન્યુ
એજયુકેશન પોલીસી-2020 વિષય પર વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ સ્થાને ગુજરાત
રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મુખ્ય અધ્યક્ષ સ્થાને જીટીયુના કુલપતિ પ્રો. ડો. નવીન શેઠ ઉપસ્થિત રહ્યા
હતા. આ ઉપરાંત જીટીયુના કુલસચિવ ડો. કે.એન.ખેર અને જીટીયુ જીસેટના ડિરેક્ટર પ્રો. ડો. એસ.ડી. પંચાલ ડિજિટલ માધ્યમ થકી ઉપસ્થિત રહ્યા હતા. આ વેબીનારના મુખ્ય વક્તા તરીકે વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો. શિરીષ કુલકર્ણી અને શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ , દિલ્હીના નેશનલ સેક્રેટરી અતુલ કોઠારી દ્વારા નવી શિક્ષણ નીતિ પર વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યની ટેકનિકલ અને નોન ટેકનિકલ યુનિવર્સિટીના કુલપતિઓ અને શિક્ષણવિદો પણ ઉપસ્થિત રહ્યા હતા.
વેબિનારના મુખ્ય અધ્યક્ષ અને જીટીયુના કુલપતિ પ્રો. ડો. નવીન શેઠે જણાવ્યું હતું કે, ‘’ નવી શિક્ષણ નીતિ આગામી દિવસમાં શિક્ષણ ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન કરીને વડાપ્રધાનના આત્મનિર્ભર ભારત અભિયાનને ચોક્કસ પ્રકારે વેગવંતુ બનાવશે. ગુજરાતની કોઈ પણ યુનિવર્સિટી નવી શિક્ષણ નીતિના પ્રચાર અને પ્રસાર હેતુસર વેબીનાર સંબંધિત કોઈ પણ ટેકનિકલ મદદની જરૂરિયાત જણાય તો, જીટીયુ દ્વારા તમામ પ્રકારની સુવિધા વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે.’’ મુખ્ય વક્તા અને સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો. શિરીષ કુલકર્ણીએ નવી શિક્ષણ નીતિથી આગામી દિવસમાં ઉચ્ચતર અભ્યાસમાં વિદ્યાર્થીઓને કેવા પ્રકારના ફાયદા થશે. તે બાબતે ચર્ચા કરી હતી . જ્યારે શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ , દિલ્હીના નેશનલ સેક્રેટરી અતુલ કોઠારી પ્રારંભિક શિક્ષાથી લઈને રિસર્ચ સુધીના તમામ પ્રકારના વિદ્યાર્થીઓની હિતલક્ષી સકારાત્મક બાબતોની વિસ્તૃત રીતે ચર્ચા કરી હતી. આ સમગ્ર વેબિનારનું આયોજન જી.એસ. એમ.એસના એસોસિયેટ પ્રોફેસર ડો. કૌશલ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.