બિનજરૂરી દવાઓ, નકલી મેડિકલ બિલ પર બ્રેક લાગશે
સરકારી સૂત્રોએ દાવો કર્યો છે કે એકવાર કોઈ વ્યક્તિનું રજિસ્ટ્રેશન થવા પર તેને યુનિક હેલ્થ આઈડી કાર્ડ મળશે
નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે દેશના તમામ નાગરિકો માટે ડિજિટલ સ્વાસ્થ્ય મિશન શરૂ કરવાની જાહેરાત કરી. ડિજિટલ સ્વાસ્થ્ય મિશન અંતર્ગત પ્રત્યેક નાગરિકોને એક ખાસ આઈડેન્ટિટિ નંબર આપવામાં આવશે. ઉમ્મીદ છે કે આ ર્નિણયથી હેલ્થ સેક્ટરમાં પારદર્શિતા આવશે અને છેતરપિંડી પર રોક લાગશે. લાલ કિલ્લા પરથી પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, આ પહેલ સંપૂર્ણ રીતે ટેકનોલોજી બેઝ્ડ છે, જે હેલ્થ કેર સેક્ટરમાં ક્રાન્તિકારી ફેરફાર લાવશે અને પ્રત્યેક નાગરિકને જે આઈડી કાર્ડ મળશે, તેમાં તેની મેડિકલ કન્ડિશનની તમામ જાણકારી હશે. સરકારી સૂત્રોએ દાવો કર્યો છે કે એકવાર કોઈ વ્યક્તિનું રજિસ્ટ્રેશન થવા પર તેને એક યુનિક હેલ્થ આઈડી કાર્ડ મળી જશે, જેનાથી દર્દી અથવા ડોક્ટરો દ્વારા જુદી જુદી હેલ્થ સ્કીમોનો દુરુપયોગ નહીં થઈ શકે.
સરકારી સૂત્રોએ કહ્યું કે, આ યોજનાના સંપૂર્ણરીતે લાગુ થયા બાદ હોસ્પિટલ અને ડોક્ટર સારવારના નામ પર વધારે પૈસા નહીં પડાવી શકે. ઉદાહરણ તરીકે જો કોઈ ડોક્ટર દર્દીને ગેરજરૂરી એન્ટીબાયોટિક દવાઓ લખી આપે છે તો તેની જવાબદારી નક્કી થશે. કારણ કે દવાઓ અને બીમારીનો સંપૂર્ણ રેકોર્ડ તે નંબર સાથે જોડાયેલો હશે. સરકારી સૂત્રો મુજબ, આવી જ રીતે હેલ્થ આઈડીના અસ્તિત્વમાં આવ્યા બાદ પેદા થનારા બાળકોના રસીકરણથી લઈને અન્ય સારવાર સુધીના તમામ રેકોર્ડ એક યુનિક નંબર સાથે જોડાયેલા રહેશે. તેમનું માનવું છે કે તેનાથી મેડિકલ ફાઈલો રાખવા અથવા હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં રેકોર્ડ રાખવાની સમસ્યામાં ઘટાડો થશે.
ડિજિટલ હેલ્થ મિશનમાં સરકારની મદદ કરનારા પ્રો. રાજેન્દ્ર ગુપ્તાએ કહ્યું કે, આ ર્નિણયથી હેલ્થ સેક્ટરમાં જવાબદેહી નક્કી થશે અને દેશમાં હેલ્થ કેરની ક્વોલિટીમાં પણ સુધારો થશે. પ્રોફેસર ગુપ્તાએ કહ્યું, ભારત વ્યાપર ડિજિટલ હેલ્થ સ્ટાન્ડર્ડવાળો દુનિયાનો પહેલો દેશ હશે. ઉમ્મીદ છે કે ૨૦૨૧ની શરૂઆતમાં, ભારત ડિજિટલ સ્વાસ્થ્ય પ્રોવાઈડર્સને માન્યતા આપવાનું શરૂ કરી દેશે. સામાન્ય રીતે એક દેશને વિકસિત થવામાં ૧-૩ વર્ષ લાગશે, આપણે ચાર મહિનામાં જ તે વસ્તુ ઉપલબ્ધ કરાવીશું. આ ખાસ કરીને પ્રશંસનીય છે કારણ કે કોઈપણ દેશ પાસે આવા ધોરણો નથી.SSS