ઝઘડીયા GIDCની ગુલબ્રાંડસન કંપનીમાંથી પ્રદૂષિત પાણી બહાર નીકળતાં ગ્રામજનોનો હોબાળો
ગ્રામજનોએ જીઆઈડીસી કચેરીને જાણ કરતા મોનીટરીંગ ટીમ દ્વારા પ્રદૂષિત પાણીના સેમ્પલ લેવાયા.
વિરલ રાણા દ્વારા ભરૂચ: ભરૂચ જીલ્લા ની ઝઘડીયા જીઆઈડીસીની ગુલબ્રાંડસન કંપની દ્વારા જાહેરમાં પ્રદૂષિત પાણી બહાર કઢાતા ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો.જેથી ગ્રામજનો ની ફરિયાદના આધારે જીઆઈડીસીની મોનીટરીંગ ટીમ દ્વારા પ્રદૂષિત પાણીના નમૂના લેવામાં આવ્યા હતા.
ભરૂચ જીલ્લા ની ઝઘડીયા જીઆઈડીસીના પ્લોટ નંબર ૭૬૧ માં આવેલ ગુલબ્રાંડસન ટેકનોલોજીસ (ઈ) પ્રા.લિ કંપની વોટર બેઝ સ્પેશ્યલીટી કેમિકલનુ ઉત્પાદન કરે છે.કંપની દ્વારા વરસાદી પાણીના નિકાલ સાથે કંપની માંથી પ્રદૂષિત પાણી બહાર કાઢવામાં આવી રહ્યુ હતું.કંપની ની આજુબાજુમાં આવેલા ગામોના ગ્રામજનોના ધ્યાન પર આવતા તેઓએ કંપની ખાતે હોબાળો મચાવ્યો હતો અને ઝઘડીયા જીઆઈડીસી કચેરી ખાતે કંપની ની ફરિયાદ કરી હતી. ગ્રામજનોની ફરિયાદના આધારે જીઆઈડીસી મોનીટરીંગ ટીમ દ્વારા ગુલબ્રાંડસન કંપની માંથી જે કેમિકલ યુક્ત પાણી બહાર કાઢવામાં આવી રહ્યું હતું તેના નમૂના લઈ આગળની કાર્યવાહી હાથધરી છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે વરસાદી માહોલ માં કંપનીઓ દ્વારા કેમિકલ યુક્ત પ્રદુષિત પાણી નો વરસાદી પાણી સાથે નિકાલ કરી દેવામાં આવે છે.જેથી કરી પર્યાવરણ સહિત ખેડૂતો ના પાક ને નુકશાન થતું હોય છે.ત્યારે જીઆઈડીસી દ્વારા સેમ્પલ તો લેવામાં આવ્યા છે.પરંતુ તેનું ટેસ્ટીંગ યોગ્ય રીતે થાય અને કંપની વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે છે કે નહિ તે જોવું રહ્યુ.