જરૂરિયાત મંદ લોકોને ‘માનવતાની દિવાલ’નો સહારો
(માહિતી બ્યુરો) પાટણ, રસ્તા પરના એક ખૂણામાં ઉભી કરેલી આ દિવાલ પર લટકેલુ એક પહેરણ પણ એમના માટે મહામુલૂ હશે. કદાચ ઘર-પરીવાર વિહોણા અને તુટેલી હાથઘોડીના સહારે ઉભેલા આ વૃદ્ધ સાવ નિરાધાર ન હોવાની પ્રતિતિ થઈ.પાટણ જિલ્લા વહિવટી તંત્રના સહયોગથી પ્રયાસ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્થાપિત આ દિવાલ આ વાતની સાક્ષી પૂરે છે.
પાટણ શહેરની જનતા હોસ્પિટલ સામે આ ‘માનવતાની દિવાલ’ ઉભી કરવામાં આવી છે. જો તમારી પાસે વધારે હોય તો અહીં મુકી જાઓ અને જો તમારે જરૂરીયાત છે તો અહીંથી લઈ જાઓ. માનવતાની દિવાલ પર લખેલા આ સુત્રને પાટણની જનતાએ સુપેરે સાર્થક પણ કર્યું. ઉચ્ચ અને મધ્યમ વર્ગના લોકો ઘરમાં રહેલા બિનજરૂરી કપડા અને પગરખાં સહિતની વસ્તુઓ અહીં મુકી જાય છે. શિયાળામાં ધાબળા અને ઉનાળામાં પગરખા વગર દુષ્કર લાગતા દિવસોમાં અહીં મુકવામાં આવેલો સામાન જરૂરિયાતમંદ લોકોનો સહારો બને છે.
શહેરના રસ્તાઓ પર ફરી ભિક્ષા માંગી ગુજરાન ચલાવતા લોકો કે જેમનો કોઈ ઘર-પરિવાર નથી, ભિક્ષા માંગી બે ટંકનો રોટલો તો કદાચ મળી રહેતો હશે પણ તે સિવાયની પ્રાથમિક જરૂરીયાતોનું શું…? શહેરના સુખી-સંપન્ન લોકો જરૂરીયાત મંદ લોકોને મદદરૂપ થઈ શકે તેવા પ્રયાસના ભાગરૂપે ગત જાન્યુઆરી મહિનામાં પ્રયાસ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે આ દિવાલ ખુલ્લી મુકવામાં આવી હતી. દાન આપ્યાનો અહંકાર ન જન્મે અને દાન મેળવનારને પણ ઓશીયાળાપણું ન અનુભવાય તે માટેનો આ પ્રયાસ ખરેખર આવકારદાયક છે.