રીલિફ રોડની હોટલમાંથી છોટા શકીલનો શાર્પ શૂટર ઝડપાયો
(પ્રતિનિધિ)અમદાવાદ, મંગળવારે વહેલી સવારે શહેરના રીલિફ રોડ પર આવેલી એક હોટલમાં છોટા શકીલના શાર્પ શૂટર તથા ATSની ટીમ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં શાર્પ શૂટર દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જો કે જવાનોની સતર્કતાને કારણે ગોળી દીવાલમાં ઘૂસી હતી.
ATS ના ડીઆઈજી હિમાંશુ શુક્લાને પાકિસ્તાન સ્થિત અને દાઉદના જમણા હાથ સમા છોટા શકીલના બે શાર્પ શૂટર શહેરમાં હોવાની બાતમીને આધારે મોડી રાત્રે રિલીફ રોડ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં તેમની સાથે ક્રાઇમ બ્રાન્ચ ના અધિકારી દીપન ભદ્રન પણ જોડાયા હતા. હોટેલ વિનસ મળી આવતાં ATS, ક્રાઇમ બ્રાન્ચ તથા કરંજ પોલીસ એમ ત્રણેયના પચાસ જેટલા જવાનોની ટીમે ઘેરો ઘાલ્યો હતો અને સવારે સાડા ચાર વાગ્યાની આસપાસ રૂમ નંબર 105નો દરવાજો ખખડાવતા એક શખ્સે કોણ છે તેવી બૂમ મારતા ATS ના જવાને મહેમાન હોવાનું કહ્યું હતું. જેથી રૂમમાં રહેલા ઇમરાન ઈલિયાસ શેખ નામના મુંબઈના શાર્પ શૂટર દરવાજો ખોલતા જ જવાનો અંદર ઘૂસી ગયા હતા. પોલીસને જોઇને ઇમરાને તેની લોડેડ બંદૂકમાંથી ગોળી ચલાવી હતી. જો કે તેને સમયસર ધક્કો મારતાં નિશાન ચૂકી ગયો હતો અને ગોળી દીવાલમાં વાગી હતી.
આ દરમિયાન અન્ય જવાનોએ તેને દબોચી લીધો હતો. બાદમાં તેની બંદૂક તથા ફોન સહિતનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. ઈમરાન નો ફોન ચેક કરતા તેમાંથી પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી ગોરધન ઝડફિયાનો ફોટો મળી આવ્યો હતો. જેના આધારે આ શાર્પ શૂટર તથા તેની સાથેનો વ્યક્તિ તેમને મારવા આવ્યા હોવાનું ખુલ્યું હતું. આ ઘટનાને પગલે સૌ કોઈ ચોંકી ગયા છે.
પોલીસે તેને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ આ મંત્રીને મારવા રૂપિયા અઢી લાખની સોપારી આપી હોવાનું પણ ખુલ્યું છે. બીજી તરફ તેના ફરાર સાથીને ઝડપી લેવા પણ ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે.