રામોલ : પિતા-પુત્ર સહીત ત્રણ શખ્સોએ બે ભાઈઓ ઉપર ખૂની હુમલો કર્યો
ગાય ઉભી રાખવાની બાબતે થયેલો ઝઘડો લોહીયાળ બન્યો ઃ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ
(પ્રતિનિધિ) અમદાવાદ: વસ્ત્રાલયમાં ગાયો ઉભી રાખવાની બાબતે થયેલા ઝઘડાનો લોહીયાળ અંત આવ્યો છે જુના ઝઘડાની અદાવત રાખી બાપ-દીકરા સહીત ત્રણ શખ્સોએ બે ભાઈઓ ઉપર છરા વડે હુમલો કરતાં બંને ગંભીર રીતે ઘાયલ થયા છે જેમની એલ.જી. હોસ્પીટલમાં સારવાર ચાલી રહી છે પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે મહેશભાઈ દેસાઈ તેમના બે ભાઈઓ શૈલેષભાઈ તથા લગધીરભાઈ સાથે ચીત્રકુટ રો હાઉસ રતનપુરા ગામ વસ્ત્રાલ ખાતે સંયુકત કુટુંબમાં રહે છે નજીકમાં જ ઈન્દીરાનગરમાં રહેતા રામજીભાઈ રબારીની ગાયો તેમના ઘર આગળ ઉભી રહેતી હતી જેથી ચોમાસા દરમિયાન તેમના ઘર આગળ ગંદકી થતી હોવાથી રામજીભાઈને પોતાના ઘર આગળ ગાયો ઉભી નહી રાખવા કહયુ હતુ આ બાબતે બંને વચ્ચે સોમવારે ઝઘડો થયો હતો
જાેકે બંને એક જ સમાજના હોઈ વકીલોએ તેમની વચ્ચે સમાધાન કરાવ્યું હતું.
પરંતુ મંગળવારે સાંજે સાડા છ વાગ્યે ગાયો દોહી લીધા બાદ મહેશભાઈ અને શૈલેષભાઈ ઘર બહાર ઉભા રહી વાતો કરતા હતા એ વખતે રામજીભાઈ તેમના બે પુત્રો હિરેન તથા મિલન સાથે તેમના ઘર તરફ આવ્યા હતા અને “આ બે જણાંને આપડી ગાયો નડે છે આજે તેમને પતાવી દેવા છે.” તેવી બુમો પાડતા હતા.
હજુ બંને ભાઈઓ કંઈ સમજે એ પહેલાં જ રામજીભાઈએ શૈલેષભાઈને પાછળથી પકડી રાખતા મિલને તેની પાસેનો છરો કાઢી ડાબા પડખે ઘા મારતા તેમના આંતરડા બહાર આવી ગયા હતા આ દૃશ્ય જાેઈ મહેશભાઈ તેમને બચાવવા જતા મિલને શૈલેષભાઈને છાતીમાં વઘુ ઘા માર્યા હતા. દરમિયાન હિરેને પોતાની પાસેના છરા વડે મહેશભાઈ ઉપર હુમલો કરતા બંને ભાઈઓ લોહીના ખાબોચીયામાં ઢળી પડયા હતા. બુમાબુમ થતાં જ આસપાસના રહીશો એકઠા થતાં રામજીભાઈ અને બંને પુત્રો હથિયારો સાથે ભાગી છુટયા હતા. લગધીરભાઈ બંને ભાઈઓને એલ.જી. હોસ્પીટલે લઈ ગયા હતા જયાં રામોલ પોલીસે મહેશભાઈની ફરીયાદ લઈ આગળની તપાસ હાથ ધરી છે.