આગ્રા બસ હાઈજેકનો માસ્ટર માઈન્ડ પ્રદીપ ગોળીબારમાં ઘાયલ
બાઇક લઈને ભાગવાનો પ્રયાસ કરી રહેલા પ્રદીપ ગુપ્તાને રોકવા જતાં એન્કાઉન્ટર થયું, હાૅસ્પિટલમાં દાખલ કરાયો |
આગરા, તાજ નગરી આગ્રામાં મુસાફરોથી ભરેલી બસને હાઇજેક કરનારા માસ્ટરમાઇન્ડ પ્રદીપ ગુપ્તાનું ગુરુવાર સવારે પોલીસ સાથે એન્કાઉન્ટર થઈ ગયું. મળતી જાણકારી મુજબ, પ્રદીપ ગુપ્તાને ગોળી વાગી છે અને તેને હાૅસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે ફતેહાબાદ પોલીસ સ્ટેશનની હદમાં ચેકિંગ દરમિયાન એન્કાઉન્ટર થયું. બાઇક લઈને ભાગી રહેલા પ્રદીપ ગુપ્તાને પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો તો તેણે ફાયરિંગ કરી દીધું. પોલીસના જવાબી ફાયરિંગમાં પ્રદીપ ગુપ્તાને ગોળી વાગી અને તે ઘાયલ થઈ ગયો. આ પહેલા બુધવાર મોડી સાજે પોલીસે ઈટાવાના બલરાય પોલીસ સ્ટેશન હદના એક ઢાબાની પાછળ હાઇજેક કરાયેલી ખાલી બસને જપ્ત કરી લીધી હતી.
આગ્રામાં બુધવારે ૩૪ મુસાફરોથી ભરેલી એક બસને હાઇજેક કરી લેવામાં આવી હતી. આ ઘટનાએ પોલીસ તંત્રને દોડતું કરી દીધું હતું. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, શ્રીરામ ફાઇનાન્સ કંપનીના કર્મચારી બસ લઈ ગયા કારણ કે બસ લોનના હપ્તાની ચૂકવણી નહોતી કરવામાં આવી. પરંતુ બાદમાં હકિકત બીજી જ સામે આવી. આ સમગ્ર ઘટનાનો માસ્ટરમાઇન્ડ આગ્રા ગ્રામ્યનો રહેવાસી પ્રદીપ ગુપ્તા હોવાનું સામે આવ્યું. આ સમગ્ર કેસમાં એક નવો એન્ગલ સામે આવ્યો. સમગ્ર મામલો રૂપિયાની લેવડ-દેવડ હોવાનું કહેવાઈ રહ્યું છે. બસ માલિક અશોક અરોડા અને પ્રદીપ ગુપ્તાની વચ્ચે લેવડ-દેવડનો વિવાદ ચાલી રહ્યો હતો. તેના કારણે બદમાશોએ ફાઇનાન્સ કંપનીની કહાણી ઊભી કરી.
બીજી તરફ, એસએસપી આગ્રાએ તપાસ કર્યા વગર ફાઇનાન્સ કંપનીની થિયરી પર મહોર મારી દીધી હતી. પોલીસને ગેરમાર્ગે દોરવા માટે પ્રદીપે ફાઇનાન્સ કંપનીની કહાણી ગઢી કાઢી હતી. પ્રદીપની કહાણીમાં જ આગ્રા પોલીસ ગૂંચવાયેલી રહી. નોંધનીય છે કે, બસ માલિક અશોક અરોડાનું કાલે રાતે જ અવસાન થયું છે. તેમના દીકરા પવને પ્રદીપ ગુપ્તાની ઓળખ કરી ત્યારે સમગ્ર કહાણી સામે આવી. ઉલ્લેખનીય છે કે, ગુરુગ્રામથી રવાના થયેલી બસ આગ્રામાં હાઇજેક કરી લેવામાં આવી હતી.SSS