ઘેર બેઠા લાખો કમાવાની લાલચમાં મહિલાએ રૂા. ર.૩પ લાખ ગુમાવ્યા
મોબાઈલ પર આવેલાં એક મેસેજની લોભામણી લાલચે મહિલાનાં રૂપિયા ગયા : સાયબર ક્રાઈમમાં ફરિયાદ
અમદાવાદ, વધુ એક શહેરીજન સાથે ઓનલાઈન ગઠિયાઓ દ્વારા ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. એક લાખ રૂપિયા રોકીને ર લાખનો પ્રોફીટ આપવાની લાલચ આપ્યા બાદ મહિલા ગઠીયાઓની જાળમાં ફસાઈ હતી અને છેવટે પોતાનાં ર.૩પ લાખ રૂપિયા ખોયા બાદ તેમને ચીટીંગ થયાનો અહેસાસ થયો હતો.
આ ઘટનાની વિગત એવી છે કે ચોત્રીસ વર્ષીય રેખાબેન વાઘેલા, સૈજપુર બોઘા, નરોડા ખાતે રહે છે. ગત ફેબ્રુઆરી માસમાં “સોફ્ટવેરની મદદથી મહિને ૩-૪ લાખ કમાઓ” તેવો મેસેજ આવ્યો હતો. જે નંબર પર સંપર્ક કરતાં અંકીત રાવલ નામની વ્યક્તિએ તેમને એક લાખનાં ઈન્વેસ્ટમેન્ટ સામે બે લાખ નફો મળવાની લાલચ આપી હતી. અને એ માટે ફોનમાં એક સોફ્ટવેર ઈન્સ્ટોલ કરાવ્યું હતું. રેખાબેને તે દ્વારા એક લાખ રૂપિયા મોકલતાં થોડાં જ દિવસમાં ૧પ હજાર રૂપિયા તેમને મોકલી આપ્યા હતા. જેથી વિશ્વાસ આવતા રેખાબેને કુલ ત્રણ લાખ રૂપિયા ઈન્વેસ્ટ કર્યા હતા. જાે કે તેમાંથી ૬પ હજાર જેટલાં પરત આપ્યા બાદ અંકીતે ફોન ઉપાડવાનુ જ બંધ કહી દીધું હતું.
એ જ રીતે તેમને વધુ કેટલાક મેસેજ મળતાં રેખાબેને આ નંબરો ઉપર ફોન કરતા વિક્રાંત પટેલ ઉપરાંત અન્ય કેટલાક શખ્સો સાથે વાત થઈ હતી. જેમણે અંકીતની જેમ જ “ટ્રેડ ર૪ લીમીટેડ” માંથી બોલતાં હોવાની વાત કરીને એ જ સ્કીમ બતાવી હતી.
આ તમામને પોતાનાં રૂપિયા અંગે પૂછપરછ કરતાં રેખાબેનને તેમના રૂપિયા મળી જશે તેવી હૈયા ધારણાં આપી ફોન મુકી દેતા. આ ઘટના બાદ છેવટે તેમને રૂપિયા ર.૩પ લાખ પરત નહીં મળતાં સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ પોલીસ ચલાવી રહી છે.
અત્રે નોંધનીય છે કે રેખાબેનને વિશ્વાસ આવે તે માટે તેમને બે-ત્રણ વખત અમુક રકમ પરત કરી હતી. અને સોફ્ટવેરમાં પણ તેમણે ભરેલી રકમ બતાવતાં હતા. ઉપરાંત ગઠીયા અંકીત રાવલે તેમની ક્રેડીટ પણ પાંચ લાખ કરી હતી.