ગુજકેટ અને ધો.૧૦-૧૨ની પૂરક પરીક્ષા ૨૪મીથી લેવાશે

Files Photo
અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે આગામી ૨૪થી ૨૭ ઓગસ્ટ સુધીમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૨,૮૨,૯૬૧ વિદ્યાર્થીઓની ગુજકેટ સાથે ધો. ૧૨ સાયન્સ અને ધો. ૧૦ની પૂરક પરીક્ષા લેવામાં આવશે. માધ્યમિક શિક્ષણ બોર્ડની આ સૌથી મોટી પરીક્ષા છે, કારણ કે આ પરીક્ષા માત્ર વિદ્યાર્થીઓ માટે જ નહીં પરંતુ શિક્ષણ બોર્ડ અને સરકાર માટે પણ એક કસોટી સમાન છે.૩૪ કેન્દ્ર પર ૧ લાખથી વધુ વિદ્યાર્થી આપશે ગુજકેટની પરીક્ષા ગુજકેટની પરીક્ષા ૨૪મી ઓગસ્ટે લેવાનારી છે, જેમાં ૧,૨૭,૨૩૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
આ પરીક્ષા ૩૪ કેન્દ્રો અને ૬૪૩૧ પરીક્ષા ખંડમાં લેવાશે. ધો. ૧૨ સાયન્સની પૂરક પરીક્ષા ૨૫થી ૨૭ ઓગસ્ટ દરમિયાન લેવાશે, જેમાં ૨૩,૮૩૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ પરીક્ષા ૩૪ કેન્દ્રો અને ૧૧૪૭ પરીક્ષા ખંડમાં લેવાશે, જ્યારે ધો. ૧૦ની પૂરક પરીક્ષા ૩૮ કેન્દ્રો અને ૬૧૯૨ પરીક્ષા ખંડમાં લેવાશે, જેમાં ૧,૩૧,૯૦૧ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.કોવીડ-૧૯ની ગાઈડલાઈનને અનુસરી પરીક્ષા લેવાશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા. ૨૪ ઓગસ્ટે સોમવારે ગુજકેટ અને ૨૫થી ૨૭ ઓગસ્ટ દરમિયાન ધો. ૧૦ અને ૧૨ સાયન્સ પ્રવાહની પૂરક પરીક્ષા લેવામાં આવનારી છે.
રાજ્યના તમામ જિલ્લા મથકો પર આ પરીક્ષા કોવીડ-૧૯ની ગાઈડલાઈન મુજબ શાંતિપૂર્ણ વાતાવરણમાં લેવાય એ માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની કોવીડ-૧૯ની ગાઈડલાઈનને અનુસરી આ પરીક્ષા રાજ્યના તમામ જિલ્લા મથકો પરથી લેવાશે.સોમવારે યોજનારી ગુજકેટની પરીક્ષાનો કાર્યક્રમ ૨૪ ઓગસ્ટને સોમવારે લેવાનારી ગુજકેટની પરીક્ષામાં સવારે ૧૦થી ૧૨ કલાક દરમિયાન કેમેસ્ટ્રી-ફીઝિક્સ, ૧થી ૨ કલાક દરમિયાન બાયોલોજી, ૩થી ૪ કલાક દરમિયાન ગણિતનું પેપર લેવામાં આવશે. જ્યારે ૨૫થી ૨૭ ઓગસ્ટ દરમિયાન ધો. ૧૦ અને ૧૨ની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા લેવાશે, જેમાં ધો.૧૦ની પરીક્ષામાં સવારના ૧૦થી ૧.૧૫ કલાક અને બપોરના ૩થી ૬.૧૫ કલાક દરમિયાન પેપર લેવાશે.