Western Times News

Gujarati News

વિસ્મય જેલમાં પાકા કામના કેદી તરીકે જ સજા ભોગવશે

અમદાવાદ: ૨૦૧૩ના ચકચારી હિટ એન્ડ રન કેસનો આરોપી વિસ્મય શાહ આજે જેલ સત્તાધીશો સમક્ષ હાજર થયો હતો. જેથી હવે તે જેલમાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવશે. વિસ્મયે નીચલી કોર્ટે ફટકારેલી પાંચ વર્ષની સજાને હાઇકોર્ટમાં પડકારી હતી. પરંતુ હાઇકોર્ટે નીચલી કોર્ટે ફટકારેલી સજા કાયમ રાખી હતી. જેથી તે જામીન મેળવવા સુપ્રીમ કોર્ટમાં ગયો હતો પરંતુ સુપ્રીમ કોર્ટે આરોપીની અરજી ફગાવી દેવાનું વલણ અપનાવતા તેણે અરજી પરત ખેંચી લીધી હતી. વિસ્મય શાહના એડવોકેટ પ્રયેશ લીંબાચીયાએ ગઇકાલે સાંજે ગ્રામ્ય કોર્ટમાં સરન્ડર અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે, હાઇકોર્ટે સજા ફટાર્યા બાદ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

જેમાં કોરોના મહામારી ચાલી રહી હોવાથી બે મહિનાનો સમય માગ્યો હતો. સુપ્રીમ કોર્ટે ૧૬ ઓગષ્ટ સુધીની રાહત આપી હતી. જો કે, ત્રીજી વખત સુપ્રીમ કોર્ટે રાહત આપી ન હતી અને સરન્ડર થવા મૌખીક આદેશ કર્યો હતો. ૧૮ ઓગષ્ટના રોજ વિસ્મયને સરન્ડર થવાનું હતું પરંતું કામ ધંધા અને બેંકના કામ સહિતની જવાબદારી હોવાથી સમય સમયસર હાજર રહી શક્યો ન હતો. તે અંગે માફી માંગીએ છીએ.

આરોપીએ જેલમાં હાજર થવાનું હોવાથી કોરોનાનો રિપોર્ટ કરાવ્યો છે તે રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે. જેથી કોર્ટે સરન્ડર અરજી સ્વીકારવી જોઇએ.જો કે, ગ્રામ્ય કોર્ટે જણાવ્યું હતું કે, આ કોર્ટ દ્વારા ૨૦૧૫માં જેલ વોરંટ ભરાયેલું છે. તેથી હવે આરોપીએ જેલમાં જ હાજર થવું પડે જો જેલ તેઓને નહીં સ્વીકારે તો કોર્ટ સરન્ડર અરજી પર આદેશ કરશે. ત્યારબાદ વિસ્મય મોડી સાંજે જેલમાં હાજર થઇ ગયો હતો. જેથી હવે વિસ્મય પાકા કામના કેદી તરીકે જેલમાં સજા વિતાવશે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરે તેવી શક્યતા છે.

૨૪ ફેબ્રુઆરી ૨૦૧૩ના રોજ પોતાની કાર મ્સ્ઉ લઈને જઈ રહેલા વિસ્મય શાહે જજીસ બંગલા નજીક બે બાઇક સવારને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં શિવમ અને રાહુલ નામના બન્ને બાઇકસવારના મોત થયા હતા. આ ઘટના બાદ વિસ્મય શાહ ફરાર થઇ ગયો હતો. વિસ્મય વિરુદ્ધ મોટર વ્હિકલ એક્ટ અને આપીસીની કલમ ૩૦૪ હેઠળ ફરિયાદ નોંધાઇ હતી. ત્યારબાદ ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૩ના રોજ વિસ્મય શાહ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. વર્ષ ૨૦૧૫માં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે વિસ્મય શાહને ૫ વર્ષની સજા ફટકારી હતી. મૃતકના પરિવારજનોને ૫-૫ લાખ વળતર આપવા આદેશ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.