દુષ્કર્મ ગુજારનાર નરાધમને બે કેસમાં ૩૦ વર્ષની કેદ
સુરત: રાંદેર વિસ્તારની એક સગીરાનું બે વાર અપહરણ કરી બળાત્કાર ગુજારવાના કેસમાં શુક્રવારે પોક્સો એક્ટની વિશેષ કોર્ટે ચુકાદો જાહેર કર્યો હતો. કોર્ટે આરોપી આદિલ મહોમ્મદ શલ્લુને એક કેસમાં ૨૦ અને બીજા કેસમાં ૧૦ વર્ષ કેદનો હુકમ કર્યો હતો. મૂળ ઉત્તરપ્રદેશના ફૈજાબાદ જિલ્લાના સુજાનગામના વતની આરોપી મહોમ્મદ આદિલ મહોમ્મદ શલ્લુ શા વિરુદ્ધ વર્ષ ૨૦૧૮ અને ૨૦૧૯માં રાંદેર પોલીસ મથકમાં એકજ સગીરાનું અપહરણ અને બળાત્કાર ગુજારવાનો ગુનો નોંધાયો હતો.
ફરિયાદ મુજબ આરોપી ૨૨ ઓગસ્ટ ૨૦૧૮ના ૧૫ વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી ફોસલાવી ઉત્તરપ્રદેશ લઇ ગયો અને બળાત્કાર ગુજાર્યો હતો. આ કેસમાં પોલીસે તેની ધરપકડ કરી સગીરાને મુક્ત કરવી હતી.
બાદ ૨૩ જાન્યુઆરી ૨૦૧૯ના પીડિતાના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી રસ્તા વચ્ચેથી તેણીનું અપહરણ કરી વેડરોડ નાસિર નગરમાં લાઇ જઈ અને આખી રાત બગીમાં કેદ કરી બળાત્કાર ગુજાર્યો હતો.
ત્યારે પણ પોલીસે આદિલ વિરુદ્ધ અપહરણ, બળાત્કાર અને પોક્સો એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. બન્ને કેસની સુનાવણી પોક્સો એક્ટની વિશેષ કોર્ટમાં ચાલતી હતી.
સુનાવણી દરમિયાન મદદનીશ સરકારી વકીલ કિશોર રેવલિયા કેસ પુરવાર કરવામાં સફળ રહ્યા હતા. શુક્રવારે અંતિમ સુનાવણી બાદ કોર્ટે આરોપીને બન્ને કેસમાં દોષિત ઠેરવી અને વર્ષ ૨૦૧૮ના કેસમાં ૨૦ તથા વર્ષ ૨૦૧૯ના કેસમાં ૧૦ વર્ષ સખત કેદની સજાનો હુકમ કર્યો હતો. આ સમગ્ર અંતિમ દલીલો કોરોનાને કારણે ઓનલાઇન યોજાઈ હતી અને તેમાં સરકારી વકલીની ધારદાર રજુઆતોને કોર્ટે માન્ય રાખી ઓનલાઈન જ પોતાનો આદેશ સંભળાવ્યો હતો.