Western Times News

Gujarati News

શિક્ષણ બોર્ડે હજી કોર્ષ નહિ ઘટાડતા વિદ્યાર્થીઓ મૂંઝાયા

Files Photo

અમદાવાદ:  કોરોનાને લીધે સીબીએસઈ એ કોર્ષ ઘટાડતા ગુજરાત શિક્ષણ બોર્ડએ પણ મોટા ઉપાડે જાહેરાત તો કરી દીધી. સમિતિ રચી પણ અમલ નહિ થતા વિદ્યાર્થીઓ અભ્યાસની તૈયારીને લઈ મુંઝાયા છે કે જે કોર્ષની તૈયારી કરીશું બાદમાં તે કોર્ષ ક્યાંક રદ ના થઇ જાય. કોરોના સંક્રમણને કારણે શાળાઓ શરૂ થઈ નથી ત્યારે હાલ શાળાઓમાં ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. ત્યારે ૧ મહિના અગાઉ સીબીએસઈ બોર્ડ દ્વારા કોર્ષમાં ઘટાડાની જાહેરાત કરાઈ હતી. ત્યારબાદ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પણ એક સમિતિની રચના કરી કોર્ષમાં ઘટાડો કરાશે તેવી જાહેરાત કરાઈ હતી.પરંતુ સમિતિ બનાવ્યાને ૧ મહિનો વીતવા છતાં હજુ સુધી કોર્ષ ઘટાડાની કોઈ જાહેરાત સમિતિ કે શિક્ષણ વિભાગ તરફથી થઈ નથી ત્યારે ધોરણ ૧૦ અને ૧૨ સાયન્સના વિદ્યાર્થીઓ અસમંજસની સ્થિતિમાં મુકાયા છે.

વિદ્યાર્થીઓ અને વાલીઓ એ બાબતે ચિંતિત છે કે, હાલ ચાલી રહેલો કોર્ષ બાદમાં બાકાત ના કરી દેવામાં આવે ત્યારે આ મામલે ધોરણ ૧૨ના શિક્ષક પુલકિત ઓઝા એ જણાવ્યુ હતું કે, રાજ્ય સરકારે તાત્કાલિક કોર્ષ ઘટાડા અંગે ર્નિણય લેવો જોઈએ. જેથી વિદ્યાર્થીઓને પણ એક ક્લિયર વિઝન મળે અને તેઓને શું અભ્યાસ કરવાનો છે તેની સમજ પડે. સાથે જ રાજ્ય સરકારે હજુ સુધી ધોરણ ૧૨ સાયન્સની પરીક્ષાની પેટર્ન અંગે પણ કોઈ સ્પષ્ટતા કરી નથી. ગત વર્ષે ૫૦ – ૫૦ માર્કસની પેટર્ન મુજબ પરીક્ષા લેવાઈ હતી

તે સમયે સરકારે કહ્યું હતું કે, આગામી વર્ષથી પરીક્ષાની પેટર્ન ૮૦ – ૨૦ રહેશે. આ બાબતે પણ વિદ્યાર્થીઓ અસમંજસમાં છે કે, તેઓની પરીક્ષા ક્યા ફોર્મેટ મુજબ લેવાશે. બીજી તરફ આ મામલે રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, ધોરણ ૧૨ સાયન્સના વિદ્યાર્થીઓને નીટ અને જીઈઈની પરીક્ષા આપવાની રહેતી હોય છે. ત્યારે આ પરીક્ષા સમગ્ર દેશમાં એક કોમન પેપરના માધ્યમથી લેવાતી હોય છે. એવામાં સીબીએસઈએ કોર્ષમાં જ્યારે ઘટાડો કર્યો છે ત્યારે રાજ્ય સરકારને શુ સમસ્યા નડી રહી છે? આ બાબતે સરકારે તાત્કાલિક ર્નિણય લઈ કોર્ષ ઘટાડાની જાહેરાત સ્પષ્ટતા સાથે કરવી જોઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.