Western Times News

Gujarati News

દાહોદના કોવીડ કેર સેન્ટર ખાતેના કોરોનાના દર્દીઓ યોગ કરીને મક્કમતાથી કરી રહ્યાં છે કોરોનાનો મુકાબલો

યોગ-પ્રાણાયામ, ખેલકુદ, સંગીત-નૃત્યને કોરોના દર્દીઓના રોજિંદાક્રમમાં સામેલ કરવામાં આવ્યા

જિલ્લા આર્યુવેદ વિભાગ સાથે સંકલન સાધીને રોજે રોજ અમૃતપેય ઉકાળા દર્દીઓ અને હોસ્પીટલ સ્ટાફને આપવાની વ્યવસ્થા કરવામાં આવી

ખાસ લેખ:  મહેન્દ્ર પરમાર   

દાહોદ,કોરોના સંક્રમણથી બચવા માટે રોજિંદા જીવનમાં યોગ-પ્રાણાયામનો સમાવેશ કરવો એ અત્યંત આવશ્યક થઇ ગયું છે. એટલું જ નહી, કોરોના સંક્રમણ લાગ્યા બાદ પણ જો યોગને જીવનમાં અપનાવવામાં આવે તો દર્દીઓમાં ઝડપભેર રીકવરી જોવા મળે છે કારણ કે યોગ-પ્રાણાયામ વ્યક્તિની રોગપ્રતિકારક ક્ષમતામાં રોકેટસ્પીડે વધારો કરે છે.

દાહોદ ખાતે આવેલા કોવીડ કેર સેન્ટરમાં આ વાતને જ ધ્યાને લઇ કોવીડ-૧૯ના દર્દીઓના દૈનિક કાર્યક્રમમાં યોગ-પ્રાણાયામનો સમાવેશ કરવામાં આવ્યો છે. અત્યારે એન્જીનિયરીંગ બોયસ હોસ્ટેલ ખાતે આવેલા કોવીડ કેર સેન્ટર –એક માં ૨૬ કોરોનાના દર્દીઓ અને પોલીટેકનીક ખાતે આવેલા કોવીડ કેર સેન્ટર-બે માં ૨૭ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. કલેક્ટર શ્રી વિજય ખરાડીએ કોરોના દર્દીઓમાં ઝડપથી રીકવરી આવે તે માટે યોગ-ખેલકુદ-સંગીત-નૃત્ય વગેરે કોરોનાના દર્દીઓની રોજેરોજના કાર્યક્રમમાં સામેલ કરવા સૂચન કર્યું હતું. જેથી તેઓ શરીર અને મન બંન્નેથી કોરોના સંક્રમણનો મક્કમ મુકાબલો કરી શકે.

કોવીડ કેર સેન્ટર ખાતે સવારસાંજ  ૨૦ મિનિટ યોગ પ્રાણાયામનો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. સાથે દિવસભર તેમને કંઇ રમતગમતની પ્રવૃતિ, ગીત-સંગીત અને નુત્ય-ગરબા વગેરેમાં પણ પ્રવૃત રાખવામાં આવે છે. જેથી તેમનું મન ઉલ્લાસીત રહે અને તેઓ ઝડપભેર સ્વસ્થ્ય થાય.

આ ઉપરાંત કોવીડ કેર સેન્ટર ખાતે જિલ્લા આર્યુવેદ વિભાગ સાથે સંકલન સાધીને રોજે રોજ અમૃતપેય ઉકાળા દર્દીઓ અને હોસ્પીટલ સ્ટાફને પણ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ આર્યુવેદિક ઉકાળા રોગપ્રતિકારક શક્તિ વધારતા હોય કોરોના સામેનો અચૂક ઉપાય ગણવામાં આવે છે. સાથે હોસ્પીટલ ખાતેનો મેડીકલ-પેરા મેડીકલ સહિતનો સ્ટાફ જે દિવસ રાત કોરોનાના દર્દીઓની સારવારમાં લાગેલા છે તેમની સ્વાસ્થ સંભાળ માટે જિલ્લા આર્યુવેદ વિભાગ દ્વારા કોવીડ કેર સેન્ટર ખાતે શરૂ કરવામાં આવેલા ઉકાળા વિતરણની કામગીરી ખરેખર પ્રસંશનીય બની છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.