Western Times News

Gujarati News

ચંદ્રયાનની સફળતામાં ઈસરોની બે મહિલાઓની મહત્વની ભૂમિકા

ભારતીય સમાજમાં ઠસાઈ ગયેલી સ્ત્રી વિષેની માન્યતાઓ મુજબ એક એવી છે કે સ્ત્રી રસોડામાં જ શોભે અને ફક્ત અહિંયા જ નહીં રૂઢિચુસ્ત બ્રિટિશ ભૂભાગમાં પણ ઘણા લોકો આવી પછાત માનસિકતાથી પીડાય છે, કોઈ ઓર્થાેડોક્સ પરિવારમાં ત્યાંની સ્ત્રીઓ પોતાના મંતવ્યો રજૂ કરવા જાય એટલે તેને એક ટિપિકલ જવાબ સાથે વધાવી લેવામાં આવે અને એ છે મેકમી સેન્ડવિચ (મને એક સેન્ડવિચ બનાવી આપ.)

આ વાક્યના પ્રયોગ દ્વારા એને યાદ અપાવવામાં આવે છે કે એની જગ્યા ફક્ત ઘરના કિચનમાં જ છે અને અન્ય વાતોમાં એણે માથું ન મારવું. હવે એમ કહેવામાં આવે કે બે એવી ભારતીય સ્ત્રી એવી પણ છે જેમણે હમણાં જ રોકેટ ચંદ્ર પર મોકલ્યું છે એ પાછું આવી જાય પછી સેન્ડવિચ બનાવી આપે તો !!

ભારત જેવા દેશમાં જ્યાં છોકરીઓનો બહોળો વર્ગ પોતાનું પ્રાથમિક શિક્ષણ પણ પૂરું નથી કરી શકતી એવામાં આ બંને સ્ત્રીઓએ આપણું માથું ગર્વથી ઊંચુ કર્યું છે. ઇસરોના ચેરમેન કે. શિવને પત્રકાર પરિષદમાં ગર્વપૂર્વક જણાવ્યું કે ચંદ્રયાન-૨ મિશન પર કામ કરતાં લોકોમાં ૩૦ ટકા જેટલી મહિલાઓ છે. એ ૩૦ ટકા મહિલાઓમાં આ બે મહિલાઓ મુથઈયા વનિતા (પ્રોજેક્ટ ડિરેક્ટર) અને રીતુ કરિધલ (મિશન ડિરેક્ટર) સૌથી મહત્વના એટલે છે કેમ કે ૧૦૦૦ કરોડના આ પ્રોજેક્ટમાં વનિતાજી ઉપર પ્રોજેક્ટના શરૂઆતથી અંત સુધીના એકે એક તબક્કાની જવાબદારી છે.

તો સામે રીતુજી ચંદ્રયાન-૨ને લગતાં તમામમાં ઈનર તેમજ આઉટર કો-ઓર્ડિનેશનને સાંભળવાના છે. આ બંને મહિલાઓ ઇસરો સાથે બે દાયકાથી વધુ સમયથી જાડાયેલ છે. ચંદ્રયાન-૧ના પ્રોજેક્ટ ડિરેક્ટર રહી ચૂકેલા ડો.અન્નાદુરાઈ મુજબ વનિતાજી પહેલેથી જ ડેટા હેન્ડલિંગનું કામ સંભાળતા, પણ તેમનામાં રહેલી કાર્યશક્તિને જાતાં તેમને પ્રોજેક્ટ ડિરેક્ટર બનાવવા યોગ્ય હતા, ૧૮ કલાક સતત કામ કરવું એ કોઈ પણ સ્ત્રી માટે, સામાજિક, માનસિક અને શારીરિક રીતે ચેલેન્જિંગ થઈ પડે, પરંતુ આ બંન્ને મહિલાઓએ આ મિશન માટે ખરા અર્થમાં લોહી રેડ્યું ગણાય. રીતુ કરિધલના શબ્દોમાં સમજીએ તો માર્સ મિશન એવું છે કે ભારતમાં બેઠા બેઠા લોસ એંજેલસમાં રહેલા ગોલ્ફના હોલાં બોલ નાંખવો, ઉપરથી એવો હોલ જે સતત ફરતો રહેતો હોય. આ સાંભળીને બે ઘડી જરૂર હસવું આવે પણ લોઢાંના ચણા આ બંને મહિલાઓએ અથાગ પરિશ્રમ વડે ચાવી બતાવ્યાં છે.

૨૦૧૩માં દુનિયામાં ભારતો ડંકો વગાડી દેનાર માર્સ ઓર્બિટ મિશન (મોમ)ની સફળતા સમયે ઓફિસમાં પરસ્પર ખુશ થતી મહિલાઓની તસવીર વાઈરલ થઈ ત્યારે છેક આપણને બધાંને અહેસાસ થયો કે ઇસરો જેવી નામાંકિત સંસ્થામાં પણ મહિલાઓનું યોગદાન અવ્વલ દરજ્જાનું છે. આનંદ મહિન્દ્રાએ થોડા સમય પૂર્વે ટ્‌વીટ કરેલા એક ફોટોગ્રાફમાં મહિલા અને પુરુષના કેરિયર વચ્ચેનો તફાવત બખૂબી રજૂ કરાયો હતો. પુરુષોની દોડમાં કોઈ જ અવરોધ નહીં અને મહિલાઓની દોડમાં બાળકો, ઘરનું કામ, સામાજિક જવાબદારી જેવા અનેક અવરોધ હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.