રાજ્યમાં સિસ્ટમ સક્રિય ન હોઇ હાલ વરસાદ નહીં પડે
ગાંધીનગર ખાતે વેધર વૉચ ગ્રૃપની બેઠક યોજાઈ-સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રિજીયનમાં તા.૧૧ અને ૧૨ સપ્ટેમ્બરના રોજ હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા
ગાંધીનગર, રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ આર. પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબીનાર આજે ગાંધીનગર ખાતેથી યોજવામાં આવ્યો હતો. હાલમાં કોઇ નોંધપાત્ર સાયક્લોનિક સિસ્ટમ સક્રીય ન હોવાથી હવે ગુજરાતમાં વરસાદ થવાની શકયતા નહિંવત છે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. વેધર વોચ ગૃપનો વેબીનાર બાદ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મિડીયાને વિગતો આપતા રાહત કમિશનર હર્ષદ પટેલે જણાવ્યુ કે, આજે સવારે ૬.૦૦ થી બપોરના ૧૬.૦૦ સુધી ૧૧ તાલુકાઓમાં ૧ મીમી થી લઇ ૧૫ મીમી સુધી વરસાદ નોધાયો છે.
જેમાં તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં સૌથી વધુ ૫૦ મીમી વરસાદ વરસ્યો છે. રાજયમાં અત્યાર સુધી તા.૦૮/૦૯/૨૦૨૦ અંતિત ૧૦૧૨.૧૨ મીમી વરસાદ પડ્યો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ ૮૩૧ મીમી ની સરખામણીએ ૧૨૧.૭૯% છે. પટેલે કહ્યુ કે, આઇએમડીના અધિકારીશ્રી દ્વારા આ બેઠકમાં જણાવાયુ છે કે, ?રાજ્યના સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રીજીયનમાં તા.૧૧ અને ૧૨ સપ્ટેમ્બરના રોજ હળવો વરસાદ થવાની અને તા.૧૮ થી ૨૪ દરમિયાન વરસાદમાં સામાન્ય વધારો થવાની શક્યતા છે.
તે સિવાય ગુજરાતના અન્ય સ્થળોએ આગામી દિવસોમાં વરસાદ થવાની શકયતા નહિવત છે.બેઠકમાં કૃષિ વિભાગ દ્વારા જણાવાયું હતું કે, રાજ્યમાં ચાલુ વર્ષે તા.૦૭/૦૯/૨૦૨૦ સુધીમાં અંદાજીત ૮૫.૧૧ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયુ છે. જે ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન ૮૪.૪૩ લાખ હેક્ટર વાવેતર થયુ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૧૦૦.૨૬ ટકા વાવેતર થયુ છે.
વરસાદને કારણે રાજયનાં ૧૫ જેટલા જિલ્લાઓમાં પાક નુકશાની અંગેના સર્વેની કામગીરી ચાલી રહી છે.સિંચાઇ વિભાગ દ્વારા આ બેઠકમાં જણાવાયું હતું કે, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર જળાશયમાં ૩,૦૮,૨૮૨ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ થયો છે. જે કુલ સંગ્રહ શકિતના ૯૨.૨૮ ટકા છે. રાજયનાં ૨૦૫ જળાશયોમાં કુલ જળસંગ્રહ ૮૬.૭૫ ટકા છે. હાલ રાજ્યમાં હાઇ એલર્ટ ઉ૫ર કુલ-૧૬૭ જળાશય, એલર્ટ ઉ૫ર કુલ-૧૦ જળાશય તેમજ વોર્નીગ ઉ૫ર કુલ-૦૬ જળાશય છે. SSS