નવરાત્રિ અંગે છૂટછાટ આપવા વિચારણા જારી: નીતિન પટેલ
શાળાઓ ખોલવા બાબતે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અને વાલીઓના અભિપ્રાય બાદ જ સરકાર ર્નિણય લેશે
ગાંધીનગર, આવતા મહિને નવરાત્રિ આવી રહી છે, પરંતુ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી સરકાર ગરબાના કાર્યક્રમોને મંજૂરી આપશે કે કેમ તેની હજુ સુધી સ્પષ્ટતા થઈ શકી નથી. આ અસમંજસ વચ્ચે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે જણાવ્યું છે કે નવરાત્રિના આયોજન અંગે સરકાર વિચારી રહી છે, અને તેમાં બની શકે તેટલી છૂટછાટ આપવા માટે ચર્ચા ચાલી રહી છે. રાજ્ય સરકાર કોઈપણ ર્નિણય લે તેમાં સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને કેન્દ્ર સરકારની ગાઈડલાઈનને ધ્યાનમાં લેવા બંધાયેલી છે. નીતિન પટેલે કહ્યું હતું કે કોરોના સામેની આપણી લડત હજુય ચાલુ છે. સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું જરુરી છે.
ધાર્મિક ઉત્સવની ઉજવણી થાય તે સૌ કોઈ ઈચ્છે છે, તેવામાં તમામ લોકોને શક્ય તેટલી છૂટ આપી શકાય તે માટેની વિચારણા ચાલી રહી છે. નવરાત્રિ દરમિયાન નીકળતી રુપાલની પલ્લીને સરકાર મંજૂરી આપશે કે કેમ તે સવાલનો જવાબ આપતા નીતિન પટેલે કહ્યું હતું કે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ કેટલા લોકો ભેગા થઈ શકે કઈ રીતે તેનું આયોજન કરી શકાય તે અંગેની વિસ્તૃત ચર્ચાવિચારણા કર્યા બાદ આ અંગે ર્નિણય લેવાશે. ૨૧મી સપ્ટેમ્બરથી શાળા ચાલુ કરવાના કેન્દ્ર સરકારના ર્નિણય અંગે નીતિન પટેલે કહ્યું હતું કે ગુજરાત સરકારે ૯થી ૧૨ના વર્ગોને ચાલુ કરવા કે નહીં તે અંગે કોઈ ર્નિણય લીધો નથી. કેન્દ્ર સરકારે જે જાહેરાત કરી છે તેમાં વાલીઓની સંમતિથી લઈને બીજી પણ ઘણી શરતો રાખવામાં આવી છે.
શિક્ષણ ચાલુ કરવું જરુરી છે, પરંતુ તેનાથી વધારે જરુરી કોરોનાને અટકાવવાનું છે. હાલ આ અંગે શિક્ષણ વિભાગ સાથે ચર્ચા ચાલી રહી છે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને જ સરકાર આ અંગેનો ર્નિણય લેશે.ઉલ્લેખનીય છે કે, કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદમાંથી નીકળતી ઐતિહાસિક રથયાત્રાને મંજૂરી નહોતી અપાઈ. તેવામાં નવરાત્રિમાં જાહેર સ્થળોએ, ક્લબો તેમજ મેદાનોમાં થતાં ગરબામાં હજારો લોકો ઉમટી પડે છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ૧૩૦૦ની આસપાસ રોજના નવા કેસો સામે આવી રહ્યા છે અને હવે કોરોના ગ્રામ્ય વિસ્તારો તેમજ નાના શહેરોમાં પણ ફેલાઈ રહ્યો છે ત્યારે જાહેરમાં ગરબાની મંજૂરી મળે તેવી શક્યતા ખૂબ જ ઓછી લાગી રહી છે.
બીજી તરફ, આયોજકોનો પણ દાવો છે કે હવે સરકાર મંજૂરી આપી દે તો પણ નવરાત્રિની તૈયારી કરવાને વધારે સમય ના રહ્યો હોવાથી દર વર્ષ જેવી ઝાકઝમાળ ભરી ઉજવણી આ વર્ષે થવાની કોઈ શક્યતા નથી.SSS