લોકડાઉનમાં બગડેલું RO કંપનીએ રિપેર ન કર્યું: ગ્રાહકે એક લાખનું વળતર માગ્યું
લોકડાઉનમાં બગડેલું આરઓ કંપનીએ રિપેર ન કર્યું-કોરોના મહામારીમાં લોકો વોટર પ્યુરિફાયર મશીન બગડી જતાં એક ગ્રાહક દ્વારા કંપની સામે ફરિયાદ કરવામાં આવી
અમદાવાદ, લોકડાઉન દરમિયાન એક વ્યક્તિનું આરઓ મશીન ખરાબ થઈ ગયું અને કંપનીએ રિપેરિંગ માટે કર્મચારીને ના મોકલ્યા. પરિણામે આ ગ્રાહકે જાણીતી વોટર પ્યુરિફાયર કંપની અને સ્થાનિક સર્વિસ સેન્ટર સામે દાવો માંડ્યો છે. ગ્રાહકે કંપની પાસે ૧ લાખ રૂપિયાનું વળતર માગ્યું છે કારણકે તેઓ બહારથી પીવાના પાણીની બોટલ મગાવતા હતા.
રોજેરોજ જુદા-જુદા વ્યક્તિઓ તેમના ઘરે પાણીની બોટલની ડિલિવરી માટે આવતા હતા જેના કારણે પરિવારને કોરોનાનું ઈન્ફેક્શન થવાનું જોખમ હતું. મુકેશ ગુપ્તા નામના ગ્રાહકે વોટર પ્યુરિફાયર કંપની સામે કેસ દાખલ કર્યો છે અને નવું વોટર પ્યુરિફાયર ખરીદવા તેમજ તેની જાળવણી માટે થતાં કોન્ટ્રાક્ટનો ખર્ચ માગ્યો છે.
મે મહિનામાં મુકેશ ગુપ્તાના ઘરનું વોટર પ્યુરિફાયર બગડી ગયું હતું. આ એવો સમય હતો જ્યારે કોરોનાના કારણે લોકડાઉન જાહેર થયું હતું, પરિણામે તેઓ નવું આરઓ મશીન ખરીદી શકે તેમ નહોતા. આ કારણે તેમને જે પરેશાની ભોગવવી પડી તેના વળતર પેટે ૭૫,૦૦૦ રૂપિયાની માગ કરી છે. મુકેશ ગુપ્તાએ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર કોર્ટ કમિશનમાં ફરિયાદ કરી છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું કે, ૨૦૧૭માં ૧૮,૦૦૦ રૂપિયામાં વોટર પ્યુરિફાયર ખરીદ્યું હતું. જુલાઈ ૨૦૧૯માં વાર્ષિક મેઈનટેનન્સ પેટે ૨૫૦૦ રૂપિયા ચૂકવ્યા હતા.
દરમિયાન મે મહિનામાં વોટર પ્યુરિફાયર બંધ થઈ જતાં તેમણે કંપનીમાં ફરિયાદ કરી હતી ત્યારે તેમને અઠવાડિયું રાહ જોવાનું કહેવાયું હતું. પ્યુરિફાયર રિપેર કરવા માટે ટેક્નિશિયન આવે એટલા દિવસ સુધી મુકેશ ગુપ્તાએ પાણીની બોટલો મગાવી હતી. જેની ડિલિવરી માટે રોજરોજ અલગ-અલગ લોકો તેમના ઘરે આવતા હતા. જો કે, કંપની તરફથી સર્વિસ ના મળતાં મુકેશ ગુપ્તાને નવું વોટર પ્યુરિફાયર ખરીદવું પડ્યું. જે બાદ ગુપ્તાએ ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી કે કંપનીની સર્વિસમાં ખામી છે અને તેના માટે વળતર મળવું જોઈએ. SSS