Western Times News

Gujarati News

વિચરતી જાતિના ૪૩ જેટલા પરિવારોને રેશનકાર્ડ વિતરણ કરાયા

વાદી, બજાણીયા અને ડફેર જેવી વિચરતી જાતિના પરિવારોના સ્થાયીકરણ મુદ્દે વહિવટીતંત્ર વહારે આવ્યું

પાટણ,  સમાજ દ્વારા જેની અવગણના કરવામાં આવે છે તેવા વિચરતી અને વિમુક્ત જાતીના પરિવારો પ્રત્યે જિલ્લા કલેક્ટરશ્રીએ સંવેદના દાખવી છે. આ પરિવારોની પ્રાથમિક જરૂરિયાતોને ધ્યાને રાખી ૪૩ જેટલા રેશનકાર્ડ ઈસ્યુ કરવામાં આવ્યા છે.

સિદ્ધપુર તાલુકાના ગણવાડા ગામે રહેતા વિચરતી અને વિમુક્ત જાતિના પરિવારો છૂટક મજૂરી કરી જીવનનિર્વાહ કરે છે. સમાજ દ્વારા જેની અવહેલના કરવામાં આવે છે તેવા વાદી, ડફેર, બજાણિયા જેવી જ્ઞાતીના આ પરિવારો વર્ષોથી હિજરત કરતા આવ્યા છે. સ્થાયીકરણના અભાવે આર્થિક ઉપાર્જન અને બાળકોના શિક્ષણ સહિતના પ્રશ્નોના કારણે આ પરિવારો આર્થિક અને સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત રહી ગયા છે.

વિચરતી જાતીના આ પરિવારોનું સ્થાયીકરણ થાય અને તેમની પાયાની જરૂરિયાતો સંતોષાય તે માટે સતત પ્રયત્નબદ્ધ જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ વહિવટીતંત્ર દ્વારા આ પરિવારોના જરૂરી સાધનીક કાગળો એકત્ર કરી તેમના રેશનકાર્ડ ઈસ્યુ કરવામાં આવ્યા. ગણવાડા ખાતે રૂબરૂ હાજર રહી આ પરિવારોની વસાહત ખાતે જિલ્લા કલેક્ટરશ્રીએ ૪૩ જેટલા પરિવારોને રેશનકાર્ડનું વિતરણ કર્યું હતુ. આ ઉપરાંત વસાહતમાં પાણીની પાઈપલાઈનના અભાવે પડતી મુશ્કેલી પડતી હોવાની રજૂઆતને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટરશ્રીએ પાઈપલાઈન નાંખવા સ્થળ પર જ મંજૂરી આપી હતી.

ગણવાડા ખાતે વિચરતી જાતીની વસાહતની મુલાકાત દરમ્યાન જિલ્લા કલેક્ટરશ્રીએ આ પરિવારોના પ્રશ્નો સાંભળી તેના ઝડપી નિરાકરણ માટે વહિવટી તંત્રના અધિકારીશ્રીઓને સુચના આપી હતી. આ ઉપરાંત મહિલાઓને તેમના ભરતકામ જેવા હુનરને વિકસાવી સ્વસહાય જુથની રચના કરી રાજ્ય સરકારની યોજનાઓ થકી આર્થિક મદદ દ્વારા સ્વનિર્ભર બનવા માર્ગદર્શન આપ્યું હતુ.

આ મુલાકાત દરમ્યાન સિદ્ધપુર પ્રાંત અધિકારીશ્રી જે.એમ.તુંવર, સિદ્ધપુર મામલતદારશ્રી બી.એસ.મકવાણા, સિદ્ધપુર તાલુકા વિકાસ અધિકારીશ્રી એઝાઝભાઈરાજપરા, પુરવઠા વિભાગના અધિકારીશ્રી ગીતાબેન દેસાઈ, જિલ્લા નાયબ નિયામકશ્રી (વિ.જા.) ડૉ. વિઠ્ઠલભાઈ પટેલ તથા અધિકારીગણ ઉપસ્થીત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.