Western Times News

Gujarati News

કોવિડ જાગૃતિ ઓન વ્હીલ્સ’ – કોવિડ વિજયરથનું ગુજરાતભરમાં ભ્રમણ

આજે દસમાં દિવસે કોવિડ વિજય રથની વણથંભી સફર, લોકોને પોષણ અને સરકારી યોજનાઓ અંગે શિક્ષિત અને જાગૃત કરે છે

Ahmedabad, ‘સાવચેતીને સંગ, જીતીશું જંગ’ આ ઉત્તમ અને ઉત્કૃષ્ટ નારા સાથે હાલ રાજ્યમાં 5 કોવિડ વિજય રથ ભ્રમણ કરી રહ્યા છે. આ કોવિડ રથમાં માર્યાદિત સંખ્યામાં માત્ર 4 કલાકારો પોતાની વિવિધ કળા જેવી કે ભવાઈ, ડાયરો, નાટક વગેરે દ્વારા સ્થાનિકો સુધી આ તમામ માહિતી પહોંચાડી રહ્યા છે. આ રથ યાત્રા દરમિયાન કોરોનાને મહાત કરી સાજા થયેલાં કોરોના વિનર્સને ઠેક-ઠેકાણે જનતા સમક્ષ રજૂ કરી આત્મવિશ્વાસ બુલંદ કરવાનો પણ લોકકલાકારો પ્રયાસ કરી રહ્યા છે.

આજે દસમાં દિવસે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં સમગ્ર દિવસ દરમિયાન રથે 60 કિલોમીટર ભ્રમણ કર્યું હતું. મોટા ગુંદાળા ગામ ખાતેથી પંચાયતના સભ્ય શ્રી મનસુખભાઇ કોટડીયા દ્વારા રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે પ્રસ્થાન સમયે પંચાયતના સભ્યો, આશાવર્કર બહેનો, આંગણવાડી બહેનો તેમજ ગ્રામીણ લોકોની ઉપસ્થિતિ પણ રહી છે.

રથ પર સવાર કલાકારોએ સ્થાનિક લોકોમાં પોષણ એટલે શું? પોષણનું મહત્વ તેમજ કોરોના જાગૃતિ સંદેશ પહોંચાડ્યો હતો તેમજ આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓનું વિનામૂલ્યે વિતરણ કર્યું હતું. કોરોના વિનર શ્રી મહેશ બાબુભાઈનું સન્માન પણ કર્યું હતું.

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાં મામલતદાર શ્રી એસ.એસ. શાહે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. સરદાર ચોક, ઉગમણા દરવાજા, રૂપપુર ગામ, જુના ખોડીયાર નગર, ઉગમણા ઇન્દીરા નગર,ખીમીયાણા ગામ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં હોમિયોપેથીક અને આયુર્વેદિક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. રથ પર સવાર કલાકારોએ પોષણના મહત્વની અને કોરોના જાગૃતિ સંદેશની સ્ટેન્ડી મૂકી લોકોને એના વિશે માહિતગાર કર્યા હતા.

 

કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં અંજાર નગર પાલિકાના પ્રમુખ શ્રીએ કોવિડ વિજય રથને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. રથ પર સવાર કલાકારોએ પોતાની કળા દ્વારા યોગ્ય પોષણ વિશે અને કોરોનાના લક્ષણો અંગે અને શું સાવચેતી રાખવી તે વિશે સ્થાનિકોને જાણકારી આપી હતી. તેમજ આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓનું તેમજ માસ્કનું વિનામૂલ્યે વિતરણ કર્યું હતું.

મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના નગરપાલિકા પ્રમુખ શ્રી ભુપેન્દ્રભાઈ ચૌહાણે રથને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે મહીસાગર જિલ્લાના સહકારી સંઘના વાઈસ ચેરમેન લલીતભાઈ ચૌહાણ, સામાજિક કાર્યકર્તા નીલેશભાઈ ચૌહાણ અને શાંતિલાલભાઈ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર દિવસ દરમિયાન રથ પર સવાર કલાકારોએ બાલાસિનોર સીએચસી, ગધાવાડા ગામ, દેવ ગામ વગેરે ગામના લોકોમાં કોરોના જાગૃતિ સંદેશ પહોંચાડ્યો હતો. આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓનું વિનામૂલ્યે વિતરણ કર્યું હતું.

આજે નર્મદા જિલ્લામાં રાજપીપલા તાલુકામાં રથે શહેરી વિસ્તાર ઉપરાંત દેડીયાપાડા તાલુકાના ઘાંટોલી, પણગામ, બીતાડા, ખુટાઆંબા અને માડણ ગામે ભ્રમણ કરી માસ્ક તેમજ આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓનું વિતરણ કર્યું હતું.

કોવિડ વિજય રથ અદમ્ય ઉત્સાહ સાથે અગ્રેસર છે. આવતીકાલ અગિયારમાં દિવસે પણ તમામ નિયમોના પાલન સાથે આગળ કૂચ ચાલુ રાખશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.