Western Times News

Gujarati News

મોટેરામાં ખાણ ખનીજ વિભાગના અધિકારી પર હુમલો

ગેરકાયદેસર રેતી ખનન કરતી ટોળકી વિરૂધ્ધ કાર્યવાહી કરાતા ટોળાએ હુમલો કરી જેસીબી મશીન અને ડમ્પર ઉઠાવી ગયા

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિÂસ્થતિ કથળતા ગુનેગારોને મોકળુ મેદાન મળી ગયું છે પોલીસતંત્ર આરોપીઓને ઝડપી લેવા માટે એલર્ટ છે ત્યારે શહેરના મોટેરા વિસ્તારમાં ગઈકાલે ગેરકાયદેસર માટી કાઢી તેને ઠાલવી રહેલા રેતીના માફિયાઓને ઝડપી લેવા માટે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પહોંચતા જ ટોળાએ અધિકારીઓ પર હુમલો કરી ઢોરમાર મારી જપ્ત કરેલા જેસીબી અને ડમ્પરો લઈને આરોપીઓ ભાગી છુટતા ભારે સનસનાટી મચી ગઈ છે આ અંગે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે રાજયભરમાં ગેરકાયદેસર માટી ખોદતા માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ખાણખનીજ વિભાગ દ્વારા આ મુદ્દે નદીના પટમાં ચેકિંગ કરવા ઉપરાંત આ પ્રવૃતિમાં સંડોવાયેલા શખ્સો પર ચાંપતી નજર રાખવામાં આવતી હોય છે અમદાવાદમાં પણ સાબરમતી નદીના પટમાંથી આ પ્રવૃતિ અટકાવવા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ એલર્ટ છે.

આ દરમિયાનમાં ગઈકાલે શહેરના મોટેરા વિસ્તારમાં નીલકંઠ હોટલની બાજુમાં ડમ્પર અને જેસીબી મશીનની મારફતે રેતીના ઢગલા કરવામાં આવતા હોવાની માહિતી મળી હતી જેના આધારે અમદાવાદ જિલ્લાની જવાબદારી નિભાવતા ખાણ ખનીજ વિભાગના સુપરવાઈઝર યોગેશ ગઢીયા સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી ગયા હતા અને સૌ પ્રથમ આ પ્રવૃતિ અટકાવી રેતી કાઢવા માટેની જરૂરી મંજુરી ના કાગળીયા માંગ્યા હતા પરંતુ સ્થળ પર આ પ્રવૃતિ કરતા શખ્સો તે બતાવી શકયા ન હતાં.

આ સમયે ડમ્પરનો ચાલક ચીમનલાલ તથા તેનો માલિક રાકેશ જયારે જેસીબીનો માલિક ભાઈલાલભાઈ વણઝારા સ્થળ પર હાજર હતા અને આ તમામે સુપરવાઈઝર યોગેશભાઈ સાથે બોલાચાલી કરવા લાગ્યા હતાં મામલો તંગ બનતા જ યોગેશભાઈએ તેમના વિભાગના ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક સાંધી તાત્કાલિક સ્થળ પર બોલાવ્યા હતા આ ઉપરાંત પોલીસ કંટ્રોલને જાણ કરી હતી.

જેના પગલે પોલીસ અધિકારીઓ પણ આવી પહોંચ્યા હતાં અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પણ સ્થળ પર આવી પહોંચ્યા હતાં. ખાણ ખનીજ વિભાગના અધિકારી સુમિત ચૌહાણ સ્ટાફ સાથે દોડી આવ્યા બાદ ગેરકાયદેસર પ્રવૃતિમાં સામેલ તમામની સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

આ ઉપરાંત જેસીબી મશીન તથા ડમ્પરને કબજે લેવા માટેના કાગળીયા કરવામાં આવી રહયા હતાં. ખાણ ખનીજ વિભાગના દરોડાની માહિતી મળતા જ ડમ્પરના માલિક તથા જેસીબી મશીનના માલિકના સાગરિતોનું ટોળુ સ્થળ પર એકત્રિત થઈ ગયું હતું આ અંગે કાર્યવાહી કરતા યોગેશ ગઢિયા સાથે ફરી વખત ટોળાએ બોલાચાલી કરી તેમના પર હુમલો કરતાં નાસભાગ મચી ગઈ હતી એટલું જ નહી પરંતુ કબજે લેવામાં આવેલા ડમ્પર અને જેસીબી મશીન પર આ ટોળુ લઈને ભાગી ગયું હતું.

ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પર હુમલો કરવામાં આવતા પોલીસ એલર્ટ થઈ ગઈ છે અને આરોપીઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવી છે. સ્થળ ઉપરથી અધિકારીઓએ રેતીનો મોટો જથ્થો જપ્ત કરી લીધો છે.

મોટેરામાં રેતીના માફિયાઓ દ્વારા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પર કરવામાં આવેલા હુમલાની સરકારે ગંભીર નોંધ લીધી છે અને તમામ આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસને આદેશ આપ્યો છે જેના પગલે તમામ આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસની જુદી જુદી ટીમો કાર્યવાહી કરી રહી છે. આ અંગે ચાંદખેડા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.