Western Times News

Gujarati News

પાલડીમાં પ્રવાસીને લુંટતી રીક્ષા ગેંગ રંગેહાથ ઝડપાઈ

પ્રવાસીએ પ્રતિકાર કરતા જાહેર રસ્તા પર જ મારામારી થતાં એકત્ર થયેલા ટોળાએ પોલીસને જાણ કરી : પોલીસે બંને શખ્સોને ઝડપી લઈ શરૂ કરેલી પુછપરછ

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં તસ્કરો અને લુંટારુઓ આંતક મચાવી રહયા છે ખાસ કરીને શહેરમાં પોલીસની નિષ્ક્રિયતાના કારણે ખુલ્લેઆમ શટલ રીક્ષાઓ ફરી રહી છે અને તેનો લાભ લુંટારુઓ ઉઠાવી રહયા છે કેટલીક રીક્ષાઓમાં આવી ગેંગો ફરી રહી છે જે સહ પ્રવાસીઓના માલ સામાનની તફડંચી કરવા ઉપરાંત હવે તો નાગરિકોને ખુલ્લેઆમ લુંટી રહી છે

આવી સંખ્યાબંધ ઘટનાઓ છતાં પોલીસ કોઈ નક્કર કામગીરી કરતી નથી આ પરિસ્થિતિ વચ્ચે શહેરના પાલડી વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક ચોંકાવનારી ઘટના ઘટી હતી જેમાં નરોડાથી શટલ રીક્ષામાં બેસી પાલડી આવવા નીકળેલા બે યુવકોને રીક્ષામાં બેઠેલી લુંટારુ ટોળકીએ લુંટી લેવાનો પ્રયાસ કરતા ઝપાઝપી થઈ હતી પરંતુ આ દરમિયાનમાં જ પોલીસની વાન આવી પહોંચતા બે લુંટારુઓ રંગેહાથ ઝડપાયા હતાં. પાલડી પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે મુળ ઉત્તર પ્રદેશના વતની જયકરણ નિશાદ નામનો યુવાન હાલમાં ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે રહે છે અને તે ધરતી કંપનીમાં નોકરી કરે છે અવારનવાર તે બહારગામ જતો હોય છે તા.ર૪મીએ રાત્રે તેને ભાવનગર જવાનું થયું હતું જેના પરિણામે તે દહેગામથી નરોડા આવ્યો હતો. જયકરણ નિશાદ સાથે તેનો ભાણિયો રામસેવક પણ હતો આ બંને જણા નરોડા આવી પહોંચ્યા બાદ રાત્રે ૧૦.૩૦ વાગ્યે શટલ રીક્ષામાં બેસી લકઝરી બસમાં ભાવનગર જવા માટે પાલડી આવવા નીકળ્યા હતાં.

ભાવનગર જવા માટે જયકરણ નિશાદ અને તેનો ભાણેજ રામસેવક શટલ રીક્ષામાં બેઠા હતા તે રીક્ષામાં અગાઉથી જ એક શખ્સ બેઠેલો હતો આ રીક્ષા રાત્રે ૧૧.૩૦ વાગ્યાની આસપાસ જમાલપુર બ્રીજ ક્રોસ કરીને એનઆઈડી પાસે આવી પહોચી ત્યારે રાત્રિના અંધકારમાં રીક્ષાચાલકે રીક્ષા ધીમી પાડી દીધી હતી

જેના પરિણામે જયકરણને શંકા ગઈ હતી અને તે એલર્ટ થઈ ગયો હતો આ દરમિયાનમાં બાજુમાં જ બેઠેલા શખ્સે જયકરણ નિશાદના હાથમાંથી મોબાઈલ ફોન લુંટવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ એલર્ટ બનેલા જયકરણે તેનો પ્રતિકાર કરવાનો શરૂ કર્યો હતો પાછળની સીટ પર મારામારી થવા લાગતા રીક્ષા ચાલકે રીક્ષા અંધારામાં ઉભી રાખી હતી અને તે પણ જયકરણ પાસેથી તેનો મુદ્દામાલ લુંટવા માટે હુમલો કરવા લાગ્યો હતો જેના પરિણામે મારામારી થવા લાગતા બુમાબુમ થઈ હતી

આ દરમિયાનમાં રસ્તા પર જ મારામારી થવા લાગતા આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતાં. રસ્તા પર જ લુંટારુઓએ પ્રવાસીઓ પર હુમલો કરી તેને લુંટવાનો પ્રયાસ કરતા મારામારી થઈ હતી અને એકત્ર થયેલા લોકોએ પોલીસને જાણ કરતા જ ત્યાં નજીકમાં જ પડેલી પોલીસ વાન તાત્કાલિક સ્થળ પર આવી પહોંચી હતી

વાનમાં બેઠેલા પોલીસ જવાનો પણ સ્થળ પરનું દ્રશ્ય જાઈ ચોંકી ઉઠયા હતાં અને ચારેયને અટકાવ્યા હતાં આ દરમિયાનમાં જયકરણે સમગ્ર ઘટના જણાવતા જ પોલીસે રીક્ષાચાલક મોહંમદ સલમાન મોહંમદ શેખ (રહે. દાણીલીમડા) અને ઈમરાનખાન પઠાણ (રહે. વટવા)ને ઝડપી લીધા હતાં. પ્રવાસીઓને લુંટ કરતા બે શખ્સો રંગેહાથ ઝડપાઈ જતાં આ બંને આરોપીઓને વાનમાં બેસાડી તાત્કાલિક પાલડી પોલીસ સ્ટેશને લઈ જવાયા હતાં જયાં તેઓની પુછપરછ શરૂ કરવામાં આવી હતી.

પુછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવી હતી જેમાંથી આરોપી ઈમરાનખાન પઠાણ અગાઉ પણ લુંટ સહિત અનેક ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યુ છે અને તેની ધરપકડ પણ કરવામાં આવેલી છે જયારે મોહંમદ સલમાન સૌ પ્રથમવાર પકડાયો છે. નોંધનીય બાબત એ છે કે હજુ એક મહિના પહેલા જ પરિવારજનોએ મોહમદ સલમાનને રોજી રોટી મળે તે માટે નવી જ રીક્ષા અપાવી હોવાનું જાણવા મળી રહયું છે પરંતુ તે ઈમરાનખાન પઠાણના સંપર્કમાં આવતા તેણે સૌ પ્રથમ આ ગુનો આચર્યો હતો અને પ્રથમ ગુનામાં જ તે ઝડપાઈ ગયો છે. પાલડી પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.