Western Times News

Gujarati News

મુંબઈના ભિવંડીમાં ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી થતાં ૧૦નાં મોત

મુંબઈ: મહારાષ્ટ્રની રાજધાની મુંબઇના ભિવંડી વિસ્તારમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થતાં ગંભીર અકસ્માત સર્જાયો છે. સોમવારે સવારે ૩ વાગ્યે બનેલી આ દુર્ઘટનામાં અત્યાર સુધી ૧૦ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ ઘટના મુંબઇને અડીને આવેલા ભિવંડીમાં ધામનકર નાકા નજીકના પટેલ કમ્પાઉન્ડ વિસ્તારની છે. બિલ્ડિંગના કાટમાળમાં હજી ૩૫-૪૦ લોકો ફસાયા હોવાની આશંકા છે. માહિતી મળ્યા બાદ એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી ચાલુ છે. આ સિવાય ફાયર બ્રિગેડ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, એમ્બ્યુલન્સ અને જવાબદાર અધિકારીઓ પણ ઘટનાસ્થળ પર હાજર છે. મળતી માહિતી પ્રમાણે સ્થાનિક લોકોની મદદથી ઓછામાં ઓછા ૨૦ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.


કાટમાળ નીચે દબાયેલા ૨૫ લોકો માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ દુર્ઘટનામાં પહેલા ૫, પછી ૩ અને હવે વધુ ૨ આમ અત્યાર સુધીમાં ૧૦ લોકોનાં મોત નીપજ્યાં છે. મળતી માહિતી મુજબ સોમવારે સવારે ૩.૪૦ વાગ્યે જ્યારે બધા સૂઈ રહ્યા હતા ત્યારે ધમાનકર નાકા પાસે પટેલ કમ્પાઉન્ડ પાસેની ઇમારત ધરાશાયી થઈ હતી. આ સમય દરમિયાન સ્થાનિક લોકો દ્વારા આશરે ૨૦ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.

અકસ્માતની માહિતી મળતાં જ એનડીઆરએફની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ટીમે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. આ દરમિયાન કાટમાળમાંથી એક નાના બાળકને પણ બચાવી લેવામાં આવ્યો હતો. બાળકની હાલત ગંભીર હોવાથી બાળકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ૫રેસ્ક્યુ ટીમના મેમ્બર્સ હજી પણ ફસાયેલા લોકોને કાટમાળમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. ફાયર બ્રિગેડ, થાણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ, એમ્બ્યુલન્સ અને સિવિક અધિકારીઓ સ્થળ પર હાજર છે.

થાણે નગર નિગમના પીઆરઓએ જણાવ્યું કે, કાટમાળમાંથી ૧૦ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે. બાકી લોકોની શોધખોળ ચાલી રહી છે. થાણે નગર નિગમના પીઆરઓ મુજબ, આ બિલ્ડિંગ ડેન્જર લિસ્ટમાં હતું. તેને ખાલી કરવા માટે નોટિસ પણ આપવામાં આવી હતી. જોકે નોટિસ મળ્યા બાદ કેટલાક લોકો અહીંથી જતા રહ્યા હતા, પરંતુ કેટલાક લોકો અહીં રહી રહ્યા હતા. મળતી માહિતી મુજબ, મુંબઈમાં થોડા દિવસોમાં ભારે વરસાદના કારણે બિલ્ડિંગ નબળી થઈ ચૂકી હતી.

આ બિલ્ડિંગમાં ૨૧ પરિવાર રહેતા હતા. એનડીઆરએફની ટીમે સોમવાર સવારે કાટમાળમાંથી એક બાળકને સુરક્ષિત બહાર કાઢ્યું છે. નોંધનીય છે કે, ગત મહિને મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના મહાડમાં પાંચ માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ હતી. દુર્ઘટનામાં ૫૦ લોકો ઘાયલ થયા હતા, જ્યારે ૫ લોકોએ જીવ ગુમાવ્યો હતો. બિલ્ડિંગ માત્ર ૧૦ વર્ષ જૂની હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.