પબજી પરથી પ્રતિબંધ હટી શકે છે, જિયોને ડિસ્ટ્રિબ્યુશન મળશે
નવી દિલ્હી: ભારત સરકારે તાજેતરમાં જ લોકપ્રિય ગેમ પબજી પર પ્રતિબંધ લગાવ્યો હતો. હવે પબજી ફેન્સ માટે એક સારા સમાચાર છે. પબજી પરનો પ્રતિબંધ ઝડપી હટી શકે છે. હકીકતમાં પબજી મૂળ સાઉથ કોરિયન કંપની બ્લૂ હોલ સ્ટુડિયોની પ્રોડક્ટ છે. પ્રતિબંધ બાદ કંપનીએ ચીનની કંપની ટેન્સેન્ટ પાસેથી પબજી મોબાઈલની ફ્રેન્ચાઈઝી પાછી લઈ લીધી છે. આ સાથે જ હવે આ ગેમ સાઉથ કોરિયાની થઈ ગઈ છે અને તેના કારણે હવે સરકાર તેના પરથી પ્રતિબંધ હટાવી દેશે. બ્લૂ હોલ સ્ટુડિયોની એક બ્લોગ પોસ્ટમાં આ કન્ફર્મ થઈ ગયું છે કે કંપની ભારતમાં ગેમ ડિસ્ટ્રિબ્યુશન માટે રિલાયન્સ જિયો સાથે વાતચીત કરી રહી છે.
https://westerntimesnews.in/news/70573
આ ડીલ હજી શરૂઆતી તબક્કામાં છે અને હજી સુધી તેના વિશે કોઈ સત્તાવાર ર્નિણય લેવાયનો નથી. પરંતુ શક્યતા છે કે રિલાયન્સ જિયોને તેનું ડિસ્ટ્રિબ્યુશન મળી શકે છે. સરકાર હાલમાં ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકી રહી છે. સરકારનું કહેવું છે કે આ એપ્સ દ્વારા એકઠો કરવામાં આવતો ડેટા અને શેર કરવામાં આવતો ડેટા યુઝર્સની સાથે સાથે રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ જોખમી બની શકતો હતો. પ્રતિબંધ કરવામાં આવેલી ૧૧૮ એપ્સમાં ઘણી લોકપ્રિય એપ્સ પણ સામેલ છે. લોકડાઉન દરમિયાન લોકપ્રિય બનેલી લૂડો અને કેરમ જેવી ગેમ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
ગેમ એપમાં પબજી જેટલી લોકપ્રિય હતી તેનાથી વધારે વિડીયો શેરિંગ એપ ટિકટોક ભારતમાં વધારે લોકપ્રિય હતી. ભારત સરકારે ટિકટોક પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. છેલ્લા ઘણા સમયથી ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવનું વાતાવરણ છે અને તેના કારણે ભારત સરકાર ચીન સામે આક્રમક વલણ અપનાવી રહી છે. જેના કારણે સરકારે આ એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે.