Western Times News

Gujarati News

પતિએ બાળકની જાતિ જાણવા ગર્ભવતી પત્નીનું પેટ કાપ્યું

Files photo

બદાયું: આજકાલ દીકરા અને દીકરી વચ્ચે કોઈ ફરક નથી રહ્યો. મોટાભાગના પરિવારો હવે આ વાત સમજતા થયા છે. જોકે, દેશમાં હજું પણ ઘણા એવા લોકો છે, જે દીકરીઓને હજુ પણ સાપનો ભારો માને છે. યુપીના બદાયુંમાં પણ પુત્ર ઘેલછામાં એક શખસે એવું રાક્ષસી કૃત્ય કર્યું કે, લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. આ શખસે તેની પત્નીના ગર્ભમાં રહેલું બાળક છોકરો છે કે છોકરી તે જાણવા માટે પત્નીનું પેટ ચીરી નાખ્યું. પોલીસના જણાવ્યા મુજબ, બદાયુંના નેપુર વિસ્તારમાં પાંચ દીકરીઓના પિતા પન્નાલાલ નામના એક શખસે ગત શનિવારે ધારદાર હથિયારથી તેની પત્નીનું પેટ ચીરી નાખ્યું, જેથી તે ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ.



હકીકતમા, પન્નાલાલ જાણવા ઈચ્છતો હતો કે, તેની પત્નીના ગર્ભમાં રહેલું બાળક છોકરો છે કે છોકરી. પન્નાલાલની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મહિલાને ગંભીર સ્થિતિમાં બરેલીની હોસ્પિટલમાં લઈ જવાઈ છે. મહિલાના પીયર પક્ષનો આરોપ છે કે, પન્નાલાલ પુત્ર જન્મે તેવું ઈચ્છતો હતો અને તેણે એ જાણવા માટે પોતાની પત્નીનું પેટ ચીરી નાખ્યું કે તેના ગર્ભમાં છોકરો છે કે છોકરી. સ્થાનિક લોકો મહિલાને તાત્કાલીક જિલ્લા હોસ્પિટલ લઈ ગયા,

જ્યાંથી તેને ગંભીર હાલતમાં બરેલી હોસ્પિટલમાં લઈ જવાઈ. પોલીસે જણાવ્યું કે, આ મહિલા છ-સાત મહિનાની ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું છે. દુનિયા ચંદ્ર પર પહોંચી ગઈ છે અને આપણા દેશમાં હજુ પણ દીકરા અને દીકરીમાં ફરક કરવામાં આવી રહ્યો છે તે શરમની વાત છે. ગર્ભનું જાતિ પરીક્ષણ આપણા દેશમાં ગુનો છે. વળી, આજકાલ તો છોકરીઓ દરેક મામલે છોકરાઓને ટક્કર આપી રહી છે, પણ કેટલાક લોકોની માનસિકતા હજુ પણ બદલાતી નથી.

દેશમાં ૨૧મી સદીની વાત થઈ રહી છે અને કેટલાક લોકો હજુ પણ ૧૯મી સદીમાં જીવી રહ્યા છે. આવા લોકોની માનસિકતા બદલવા માટે સમાજે બદલાવવું પડશે. આવા લોકોને સામાજિક રીતે બોધપાઠ મળે તેવા પગલાં નહીં લેવા જરૂરી છે. યુપીનો આ કિસ્સો પુત્ર ઘેલછામાં લોકો કઈ હદ સુધી જઈ શકે છે તેનું એક ઉદાહરણ છે. એવા પણ ઘણા કિસ્સા હશે જે પોલીસ ચોપડે નહીં નોંધાયા હોય, જેમાં ગેરકાયદે જાતિ પરીક્ષણ કરીને બાળકને ગર્ભમાં જ મારી નાખવામાં આવ્યું હશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.