Western Times News

Gujarati News

કોરોના કહેરમાં ભરૂચમાં કન્ટેનમેન્ટ એરિયામાં લોકો બિન્દાસ કરી રહ્યા છે અવરજવર

સીલ કરવાની કામગીરીમાં ગોબાચારીના આક્ષેપો : પતરા લગાવ્યા બાદ લોકો અવરજવર કરી શકે તેવો રખાઈ છે રસ્તો.

ભરૂચમાં કોરોના વકરવા પાછળ તંત્રની નિષ્ફળતા છતી થઈ : કન્ટેનમેન્ટ એરિયા માંથી લોકો અવરજવર કરતા સ્થાનિકોને કોરોનાનો ભય. 

કન્ટેનમેન્ટ એરિયા માંથી લોકો બહાર ન નીકળે તે અંગેના જાહેરનામાનું પાલન કરાવવાની જવાબદારી પોલીસની છે : પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ જીલ્લા માં રોજેરોજ કોરોના સતત વકરી રહ્યો છે અને જે વિસ્તાર માંથી કોરોના પોઝીટીવ દર્દીઓ મળી આવે છે તે વિસ્તાર ને કન્ટેનમેન્ટ એરિયા જાહરે કરી કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે.જાહેરનામા મુજબ જેતે વિસ્તાર ને તંત્ર દ્વારા સીલ કરવામાં આવે છે.પરંતુ કન્ટેનમેન્ટ એરિયા નજીક પોલીસ મુકવામાં ન આવતા કન્ટેનમેન્ટ એરિયા માંથી લોકો બિન્દાસ અવરજવર કરતા અન્યોને કોરોના નો ભય સતાવી રહ્યો છે.ત્યારે કન્ટેનમેન્ટ એરિયા ની મુલાકાત જીલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર લે અને જાહેરનામાનું કડકાઈ થી પાલન થાય તે જરૂરી છે.

ભરૂચ જીલ્લા માં રોજ કોરોનાના ૨૫થી વધુ દર્દીઓ નોંધાઈ રહ્યા છે.જયારે કોરોના ની સારવાર દરમ્યાન દમ પણ તોડી રહ્યા છે અને રોજ ૮ થી ૧૦ મૃતદેહોના અંતિમ સંસ્કાર અંકલેશ્વર ના દક્ષિણ છેડે કોવીડ ૧૯ સ્મશાન ખાતે કરવામાં આવી રહ્યા છે.ત્યારે ભરૂચ માં કલેકટરના જાહેરનામા નો કડકાઈ થી અમલ કરવામાં આવતો નથી જેના કારણે કોરોના વધુ વકરી રહ્યો છે.જયારે ભરૂચ જીલ્લા માં ૫ થી ૭ કોરોના પોઝીટીવ દર્દીઓ મળી રહ્યા હતા ત્યારે જેતે વિસ્તાર માં કન્ટેનમેન્ટ એરિયા નજીક પોલીસ કાફલો ખડકી દેવામાં આવતો હતો ને કડકાઈ થી જીલ્લા વહીવટી તંત્રના જાહેરનામાનું પાલન કરાવામાં આવી રહ્યું હતું.હવે કોરોના પોઝીટીવ ૨૫ થી વધુ દર્દીઓ નોંધાઈ રહ્યા છે અને જીવ પણ ગુમાવી રહ્યા છે.ત્યારે કલેકટર ના જાહેરનામાના પાલન કરાવવામાં પોલીસ ઉણી ઉતરી રહી છે.

જેના કારણે કન્ટેનમેન્ટ એરિયાને ભરૂચ નગર પાલિકા અને પંચાયત દ્વારા સીલ તો કરવામાં આવે છે.પરંતુ કન્ટેનમેન્ટ એરિયા માંથી લોકો અવરજવર કરી શકે તે રીતે સીલ કરવામાં આવતા હવે સ્થાનિકો માં કોરોના નો ભય સતાવી રહ્યો છે.ત્યારે વહીવટી તંત્ર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા કન્ટેનમેન્ટ એરિયાના જાહેરનામાનો કડકાઈ થી કરવામાં આવે તે જરૂરી છે.નહીતર આવનારા સમય માં કોરોના ની સંખ્યા નો આંકડો મોટો હોઈ શકે તેવું નગર સેવક મનહર પરમારે મીડિયા સમક્ષ જણાવ્યું હતું અને તેઓએ આક્ષેપો કર્યા હતા કે હાલ માં જે મુજબ ની કન્ટેનમેન્ટ એરિયાની શીલ કરવાની કામગીરી ચાલી રહી છે તે માત્ર કોન્ટ્રાકટર ને ફાયદો કરાવવા માટે દેખાવા પુરતી સીલ ની કામગીરી થઈ રહી છે.ખરેખર કન્ટેનમેન્ટ એરિયા માં સંપૂર્ણ સીલ કરવામાં આવે તો જ કોરોના ઉપર અંકુશ મેળવી શકાશે તેવા આક્ષેપો કરી રહ્યા છે.

તો ભરૂચ ના નગર પાલિકા ના હદ વિસ્તાર માં આવેલ દુબઈ ટેકરી,ચંદ્રદર્શન સોસાયટી,પુરુષોત્તમ પાર્ક,આલી કાછીયાવાડ સહીત ના અનેક કન્ટેનમેન્ટ એરિયામાં સીલ કરવામાં આવેલ વિસ્તારો માંથી લોકો બિન્દાસ પણે અવરજવર કરી રહ્યા હોવા અંગે ભરૂચ નગર પાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાલા એ જણાવ્યું હતું કે જીલ્લા વહીવટી તંત્ર ના જાહેરનામા મુજબ જે વિસ્તાર ને કન્ટેનમેન્ટ એરિયો જાહેર કરવામાં આવે છે અને ધણા વિસ્તારો માં જે મકાનો માંથી કોરોના પોઝીટીવ દર્દીઓ મળી આવે છે તે મકાન ને સીલ કરી દેવામાં આવે છે.પરંતુ જે તે મકાન માં રહેતા લોકો અનેક રોગ થી પીડાતા હોવાના કારણે દવા લેવા માટે અવરજવર કરી શકે તેટલી જગ્યા ખુલ્લી રાખવામાં આવે છે.

પરંતુ કન્ટેનમેન્ટ એરિયા માંથી કોઈ કામ વગર ન નીકળે તે માટે કન્ટેનમેન્ટ એરિયા નજીક પોલીસ કાફલો મુકવામાં આવે અને જીલ્લા વહીવટી તંત્ર ના જાહેરનામાનું પાલન કરાવવાની જવાબદારી પોલીસ ની છે.પરંતુ પોલીસ મુકવામાં ન આવતી હોવાના કારણે લોકો કન્ટેનમેન્ટ એરિયા માંથી અવરજવર કરી શકે છે.ત્યારે તમામ કન્ટેનમેન્ટ એરિયા ઉપર પોલીસ કાફલો તહેનાત કરવામાં આવે તે જરૂરી છે.


(adsbygoogle = window.adsbygoogle || []).push({});


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.