સુશાંતે ૮થી ૧૪ જૂનની વચ્ચે તમામને બિલ-સેલેરી ચુકવ્યા
મુંબઈ: સુશાંત સિંહ રાજપૂતના મોતને ૩ મહિનાથી વધુનો સમય થઈ ચૂક્યો છે. મોતના કારણની શોધમાં ઘણી એજન્સીઓ સાથે મળીને કામ કરી રહી છે. સીબીઆઈ ટીમના હાથમાં તપાસ છે, તો બીજી તરફ એનસીબી અને ઈડી જેવી સંસ્થાઓ પણ અલગ-અલગ એંગલથી તપાસ કરી રહી છે. એ વાત અગાઉ પણ સામે આવી ચૂકી છે કે, સુશાંતે મોત પહેલા પોતાના તમામ બિલ્સ જમા કરાવ્યા હતા અને સ્ટાફને સેલેરી પણ આપી દીધી હતી. લેટેસ્ટ અપડેટ પ્રમાણે ૮થી ૧૪ જૂનની વચ્ચે તેના એકાઉન્ટમાંથી ૫.૯ લાખ રૂપિયાનું ટ્રાન્જેક્શન થયું હતું.
એક રિપોર્ટ અનુસાર સુશાંતે પોતાના બીજા બેંક એકાઉન્ટમાં ૫૦ હજાર રૂપિયા ૮ જૂનના રોજ ટ્રાન્સફર કર્યા હતા. મોબાઈથી તે જ દિવસે ૧૦ હજાર રૂપિયા ટ્રાન્સફર થયા હતા. ફાર્મહાઉસ સ્ટાફને ૪૬,૪૦૦ રૂપિયા સેલેરી આપી હતી.
બીજી તરફ ૧૨,૮૩૨ રૂપિયા અઝીમ ટ્રાવેલ્સને ટ્રાન્સફર કર્યા હતા. સુશાંતે ૧૫,૮૨૦ રૂપિયા સેલેરી કુક નીરજને આપી હતી. આ ઉપરાંત ડૉગના ફૂડ પર ૬૨૦૦ રૂપિયા અને ૨૦ હજાર રૂપિયાના અન્ય ટ્રાન્ઝેક્શન કર્યા હતા. મોતના ત્રણ દિવસ પહેલા એટલે કે, ૧૧ જૂનના રોજ સુશાંતે બાન્દ્રાના ફ્લેટનું માસિક રેન્ટ ૩ લાખ ૮૭ હજાર રૂપિયા ચૂકવ્યું હતું. ૧૩ જૂનના રોજ ૧૦ હજાર રૂપિયા ડૉક્ટરને કન્સલટન્સી ફી આપી હતી. આ જ દિવસે ૨૯ હજાર રૂપિયાનું અન્ય એક પેમેન્ટ સુશાંતે કર્યું હતું.
અન્ય એક ટ્રાન્જેક્શનમાં ૪૫૦૦ રૂપિયા પણ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ રીતે ૮થી ૧૪ જૂનની વચ્ચે સુશાંતના ખાતામાંથી ૫.૯૦ લાખ રૂપિયાના ટ્રાન્જેક્શન થયા હતા. જણાવી દઈએ કે, ૧૪ જૂનના રોજ સુશાંત સિંહ રાજપૂત બાન્દ્રા સ્થિત પોતાના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે, તે ડિપ્રેશનમાં હતો અને તેના કારણે તેણે આત્મહત્યા કરી લીધી. ડિપ્રેશનની પાછળ બોલિવૂડમાં નેપોટિઝમના ચલણને જવાબદાર માનવામાં આવ્યું. ત્યારબાદ સુશાંતના પિતાએ રિયા ચક્રવર્તી પર સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેરવા અને તેની સાથે છેતરપિંડી કરવાના આરોપ લગાવ્યા. બાદમાં આ કેસમાં ડ્રગ્સના કનેક્શનનું એંગલ આવ્યું અને તેની તપાસ ચાલી રહી છે. એનસીબીએ કેટલાક ડ્રગ પેડલર્સ અને સુશાંતની નજીકના લોકોને અરેસ્ટ કર્યા છે. રિયા ચક્રવર્તી પણ ૨૨ સપ્ટેમ્બર સુધી જ્યૂડિશિયલ કસ્ટડીમાં છે.