૩૦૦થી ઓછા કર્મી હોય તો કંપની હવે છટણી કરી શકશે
નવી દિલ્હી, લોકસભામાં કેન્દ્રીય શ્રમમંત્રી સંતોષ ગંગવારે રજૂ કરેલાં ઈન્ડસ્ટ્રિયલ રિલેશન્સ કોડ બિલ ૨૦૨૦ અંતર્ગત હવેથી જે કંપનીઓમાં કર્મચારીઓની સંખ્યા ૩૦૦થી ઓછી છે, તે સરકારની મંજૂરી વિના જ કર્મચારીઓની છટણી કરી શકશે. અત્યાર સુધી ઈન્ડસ્ટ્રિયલ રિલેશન્સ કોડ બિલ ૨૦૧૯ના અંતર્ગત આ જોગવાઈ માત્ર એવી કંપનીઓ માટે હતી, જેમાં ૧૦૦થી ઓછા કર્મચારી હોય. હવે નવા બિલમાં આ મર્યાદાને વધારી દેવાઈ છે. આ ઉપરાંત મંત્રી સંતોષ ગંગવારએ વધુ લેબર કોડ બિલ પણ રજૂ કર્યા હતા. જેમાં કોડ ઓન સોશિયલ સિક્યોરિટી – ૨૦૨૦ અને ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિગ કન્ડીશન કોડ–૨૦૨૦નો સમાવેશ થાય છે.
લોકસભામાં બિલ રજૂ કરવાની સાથે મંત્રીએ જણાવ્યુ કે આ તમામ વિધેયકોને આ પહેલાં ૨૦૧૯માં લોકસભામાં રજૂ કરાયા હતા. ત્યારબાદ તેને સંસદની સ્થાયી સમિતિની સમક્ષ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. તમામ હિતધારકોની સાથે વિચાર્રવિમશ બાદ સ્થાયી સમિતિએ એક રિપોર્ટ સુપરત કર્યો હતો. શ્રમ અને રોજગાર મંત્રાલયે તમામ ૨૩૩ સૂચનોનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેમાંથી ૭૪ ટકા સૂચનોનો સ્વીકાર કરાયો છે.
કેન્દ્રના આ બિલનો કોંગ્રેસના સાંસદ મનીષ તિવારી અને શશિ થરૂરે વિરોધ કર્યો હતો. મનીષ તિવારીએ જણાવ્યુ કે આ બિલ કર્મચારીઓના અધિકારો પર હુમલો છે. મંત્રીએ બિલને તુરત પરત ખેંચી લેવુ જોઈએ અને તેની પર વ્યાપક ચર્ચા થવી જોઈએ. જ્યારે શશિ થરૂરે જણાવ્યુ કે આ ત્રણેય બિલ કર્મચારીઓનો હડતાલ કરવાના અધિકારને છીનવી લેશે. એટલુ જ નહીં રાજ્યને, કેન્દ્રને એવો અધિકાર આપે છે કે ક્યારેય પણ, કોઈપણ કર્મચારીને છુટો કરી શકાય.SSS