Western Times News

Gujarati News

ગુજરાતમાં GST કલેક્શનમાં ૩૨ ટકાનો ઉલ્લેખનીય ઘટાડો

અમદાવાદ: ૫૫ દિવસના લોકડાઉનના કારણે ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો થતાં ગુજરાતમાં ગુડ્‌સ એન્ડ સર્વિસિસ ટેક્સની રેવન્યૂ પણ ઘટી છે. નાણાકીય મંત્રાલયના આંકડા દર્શાવે છે કે, નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૦૨૧ના પહેલા પાંચ મહિના (એપ્રિલ-ઓગસ્ટ)માં જીએસટી કલેક્શનમાં ૩૨ ટકાનો ઘટાડો થયો છે. એટલે કે કલેક્શન ૨૨,૦૫૦ કરોડ રૂપિયા થયું છે, તેની સરખામણીમાં આ જ સમયગાળા દરમિયાન ૨૦૧૯-૨૦માં જીએસટી કલેક્શન ૩૨,૫૦૩ કરોડ રૂપિયા હતું. સંસદના બંને ગૃહમાં આપવામાં આવેલી માહિતી પ્રમાણે, સમગ્ર ૨૦૧૯-૨૦ માટે જીએસટી કલેક્શન ૭૮,૯૨૩ કરોડ રૂપિયા રહ્યું હતું.

લોકડાઉન દરમિયાન મેન્યુફેક્ચરિંગ પ્રવૃતિ સ્થિર થઈ ગઈ હતી અને જ્યારે લોકડાઉન હટાવી લેવામાં આવ્યું ત્યારે પણ મજૂરોની અછતના કારણે તે રિકવર થઈ શક્યું નથી. સમયસર પ્રોડક્ટ્‌સ ડિસ્પેચ ન થાય તો તેની અસર ટેક્સ કલેક્શન પર પણ પડે છે. જીવન જરુરિયાતની વસ્તુઓને છોડીને લોકડાઉન દરમિયાન રિટેલ બંધ થવાનું અન્ય કારણ હતું, જેનાથી જીએસટી રેવન્યૂમાં ઘટાડો થયો છે, તેમ એસોચેમ ગુજરાત સ્ટેટ કાઉન્સિલના કો-ચેર ચિંતન ઠાકરે જણાવ્યું હતું. લોકડાઉન દરમિયાન આર્થિક ગતિવિધિ પ્રભાવિત થતાં ટેક્સ કલેક્શનમાં પણ ઘટાડો નોંધાયો છે.

એપ્રિલ મહિનામાં ટેક્સ કલેક્શન ૮૦% કરતાં ઓછું હતું, તેમ રાજ્ય સરકારના સૂત્રોએ જણાવ્યું હતું. એપ્રિલ, ૨૦૨૦માં રાજ્યનું જીએસટી કલેક્શન ૧,૨૯૬ કરોડ રૂપિયા હતું, જ્યારે ગયા વર્ષે આ જ મહિનામાં ૬,૮૭૪ કરોડ રૂપિયા હતું. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદના પ્રોફેસર સેબેસ્ટિયન મોરિસે કહ્યું કે, ગુજરાત એક ઉત્પાદન આધારિત રાજ્ય છે અને લોકડાઉનના કારણે રાજ્યની રેવન્યૂને ફટકો પડ્યો છે. લોકડાઉન બાદ પણ માગમાં મોટો ઘટાડો થતાં

ટેક્સ કલેક્શનને પણ અસર પહોંચી છે. સૌથી રસપ્રદ વાત એ છે કે, સંસદમાં રજૂ કરવામાં આવેલા ડેટા પણ સૂચવે છે કે, ગુજરાત સરકાર એપ્રિલથી જુલાઈ સુધીના જીએસટીના કામચલાઉ વળતરરુપે કેન્દ્ર સરકાર દ્વારા ૧૧,૫૬૩ કરોડ રુપિયાની બાકી ચૂકવણીની મંજૂરી મેળવવાની રાહ જોઈ રહી છે. આનાથી રાજ્ય સરકારને રેવન્યૂની તંગી પડશે, જેનાથી ખર્ચને પણ અસર થશે. જો રાજ્ય સરકાર ઓછો ખર્ચ કરશે તો તેનાથી ગરીબોને નુકસાન પહોંચશે, રોજગારીને નુકસાન પહોંચશે અને તે માગ ઓછી કરવામાં વધારે યોગદાન આપશે. પરિણારૂપે ટેક્સ કલેક્શનમાં વધુ ઘટાડો થશે’, તેમ મોરિસે ઉમેર્યું હતું. જો કેસ આ વર્ષના ઓગસ્ટ મહિનામાં જીએસટી કલેક્શનના બાકીના ૬,૦૩૦ કરોડ રૂપિયાની વસૂલાત ધીમે-ધીમે થઈ રહી છે. જે ઓગસ્ટ ૨૦૧૯ કરતાં ૩ ટકા ઓછી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.