ગાંધીનગરના ડેપ્યુટી મેયરને ગરીબોના બેલી ગણાવતા અંજલિબેન રૂપાણી
ગાંધીનગર, ભારતનાં વડા પ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી નાં જન્મદિવસ પ્રસંગે ગુરુવારે ગાંધીનગરના સેક્ટર ૧૬ સ્થિત ઓપન એર થિયેટર ખાતે એક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ડેપ્યુટી મેયર નાજા ભાઈ ઘાંઘર દ્વારા આયોજિત આ યજ્ઞના સમાપન સમયે રાજયના પ્રથમ મહિલા એવા અંજલિ બહેન રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
જેમના નેતૃત્વ હેઠળ ભારત દેશ જ્યારે વિશ્વફલક પર યશ પ્રાપ્ત કરી રહ્યો છે તેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે. ગાંધીનગરના ડેપ્યુટી મેયર નાજાભાઇ ઘાંઘર, વડાપ્રધાનને કર્મઠ લોકસેવક તરીકે માને છે અને નરેન્દ્ર મોદી પ્રત્યેની તેઓની ભરપુર લાગણીને કારણે, નરેન્દ્ર મોદીના લાંબા આયુષ્ય માટે પાટનગરમાં ભવ્ય હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કર્યું હતું. લઘુરુદ્રના સમાપન પ્રસંગે મુખ્યમંત્રીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી તથા મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવેન્દ્રસિંહ ચાવડા(જીગાબાપુ) ઉપસ્થિત રહ્યા હતા.
આજે યોજાયેલા આ હોમાત્મક લઘુરૂદ્ર ના સમાપન પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા અંજલીબેન રૂપાણીએ નાજા ભાઈ ઘાંઘર ને ગરીબોના બેલી ગણાવીને અભિનંદન આપ્યા હતા. ગાંધીનગરના ડેપ્યુટી મેયર નાજાભાઇ ઘાંઘરે આ પ્રસંગે જણાવ્યું હતું કે વડાપ્રધાનના જન્મદિવસે તેમના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરવાના ઉદ્દેશથી આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં નરેન્દ્ર મોદી ફરી એકવાર દેશના વડાપ્રધાનપદે ચૂંટાય તથા દેશ વિરોધી તાકાતો, અસામાજિક તત્ત્વો અને દેશદ્રોહીઓથી રાષ્ટ્રનું રક્ષણ કરે અને સમગ્ર વિશ્વમાં ભારત વર્ષ તથા ભારતીય સંસ્કૃતિને હજુ વધુ ઉજાગર કરે તેવી કામના વ્યક્ત કરવામાં આવી હતી.
આ પ્રસંગે શહેરના જરૂરિયાતમંદ વર્ગના શ્રમિક પરિવારોને જીવનજરૂરિયાતની કીટનું વિતરણ, ૮૫ વિધવા મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શહેરના નાના વેપારીઓ જેવા કે શાકભાજીની લારીવાળા, પાથરણા કે રેંકડી વાળા તેમજ નાના ગલ્લા ધારકોને નોંધણી કરીને હોકર્સ લાયસન્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પૂર્વ સહકાર મંત્રી વાડીભાઇ પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપના બક્ષીપંચ મોરચાના પૂર્વ અધ્યક્ષ ભગવાનદાસ પંચાલ, ગુડાના પૂર્વ ચેરમેન અશોક ભાવસાર અને આશિષભાઇ દવે, ગાંધીનગર મહાનગરપાલિકાના પૂર્વ મેયર મહેન્દ્રસિંહ રાણા અને પ્રવિણભાઇ પટેલ, મધુર ડેરીના ચેરમેન ડો. શંકરસિંહજી રાણા, પૂર્વ ડેપ્યુટી મેયર કાર્તિકભાઇ પટેલ, મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનુભાઇ પટેલ, શહેર ભાજપના પૂર્વ પ્રમુખ નીતિનભાઇ પટેલ, ભારતીબેન શુક્લ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.