Western Times News

Gujarati News

ઘાટલોડિયામાં ભરબપોરે લુંટારૂઓ ત્રાટક્યા

મકાન માલિક મહિલા આવી પહોંચતા લુંટારુએ આંખમાં મરચુ નાંખી ચપ્પાનો ઘા માર્યો

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં તસ્કરો અને લુંટારુઓના આંતકથી નાગરિકો ફફડી રહયા છે સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતાના કારણે હવે ધોળે દિવસે પણ ચોરી અને લુંટની ઘટનાઓ વધવા લાગી છે શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં ભરબપોરે બંધ મકાનનું તાળુ તોડી તસ્કરો ત્રાટક્યા હતાં અને ઘરે આવી પહોંચેલી મહિલાના આંખમાં મરચું નાંખી તિક્ષ્ણ હથિયારનો ઘા માર્યો હતો આ ઘટનાથી સ્થાનિક નાગરિકોમાં ફફડાટ ફેલાયો છે લોકોનું ટોળુ એકત્ર થઈ જતા તસ્કર તેના સાગરિત સાથે બાઈક પર બેસી ફરાર થઈ ગયો હતો આ અંગે સોલા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં તસ્કરો અને લુંટારુઓ ખુલ્લેઆમ ચોરી અને લુંટફાટ કરી રહયા છે શહેરમાં ઠેરઠેર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા શોભાના ગાઠીયા બની ગયા હોય તેવી છાપ ઉપસી રહી છે. તસ્કરોને પોલીસનો કોઈ ડર જ ન હોય તે રીતે ગુનાખોરી આચરી રહયા છે આ પરિસ્થિતિ વચ્ચે શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે ઘાટલોડિયા વિસ્તારમાં સેકટર-૪ ચાણક્યપુરીમાં રહેતા લાલબેન ગોવિંદભાઈ રબારી ગઈકાલે બપોરના સમયે નજીકમાં જ રહેતા પોતાની બહેનના ઘરે ગયા હતા.

આ સમયે ઘરમાં તેમના મોટા પુત્રની પત્નિ હાજર હતી સાસુ તેમની બહેનને મળવા જતા પુત્ર વધુ નીલમબેન ઘરના દરવાજાને તાળુ મારી ધાબા પર કપડા સુકવવા ગયા હતાં આ દરમિયાનમાં લાલબેન ઘરે પરત આવતા ઘરનો દરવાજા અંદરથી બંધ હતો અને તેમણે દરવાજા ખટખટાવ્યો હતો.

પરંતુ અંદરથી કોઈએ દરવાજા ખોલ્યો ન હતો તેથી તેમને શંકા ગઈ હતી અને દરવાજા જાશથી ખખડાવતા અચાનક જ દરવાજા ખુલ્યો હતો અને અંદરથી વાદળી કલરનો શર્ટ પહેરેલો એક શખ્સ બહાર આવ્યો હતો.

પોતાના જ ઘરમાંથી અજાણ્યો શખ્સ દરવાજા ખોલીને બહાર નીકળતા લાલબેન ચોંકી ઉઠયા હતાં તેઓ કશું સમજે તે પહેલાં જ આ શખ્સે તેમની આંખમાં મરચાંની ભુકી નાંખી દેતા લાલબેને બુમાબુમ કરી હતી જેના પરિણામે ધાબા પરથી તેમની પુત્રવધુ નીલમબેન દોડી આવી હતી અને સાસુ, વહુ બંનેએ આ શખ્સનો પીછો કર્યો હતો પરંતુ ભાગી રહેલા લુંટારુએ લાલબેનના હાથ પર ચપ્પાનો ઘા મારતા તેઓ લોહી લુહાણ થઈ ગયા હતાં.

આ દરમિયાનમાં ભારે હોહામચી જતાં સ્થાનિક નાગરિકો એકત્ર થઈ ગયા હતા પરંતુ તે પહેલા આ લુંટારુ દિવાલ કુદીને ભાગવા લાગ્યો હતો સ્થાનિક નાગરિકોએ પણ તેનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બહાર આ લુંટારુનો અન્ય એક સાગરિત બાઈક લઈને ઉભો હતો અને તેના પર બેસી બંને લુંટારુઓ ભાગી છુટયા હતાં આ ઘટનાથી સમગ્ર ચાણકયપુરીમાં ભારે હોહામચી ગઈ હતી.

ઘરમાં તપાસ કરતા રૂ.૧પ હજાર રોકડાની ચોરી થયાનું માલુમ પડયું હતું. બીજીબાજુ ઈજાગ્રસ્ત લાલબેનને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ભરબપોરે બનેલી આ ઘટનાથી પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે અને આ અંગે સોલા પોલીસે ગુનો દાખલ કરી સીસીટીવી કુટેજ મેળવવાના પ્રયાસો શરૂ કર્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.