Western Times News

Gujarati News

યુનોમાં કાશ્મીરનો મુદ્દો ઊઠાવતા પાક. ઉપર ભારતનો વળતો પ્રહાર

ઈસ્લામાબાદ: સંયુક્ત રાષ્ટ્રની સ્પાપનાના ૭૫ વર્ષ પૂરા થઈ ચૂક્યા છે અને આ વચ્ચે સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં વરર્ચ્યુઅલ રીતે દુનિયાના અનેક નેતા સામેલ થયા છે. જેમાં વાત કરતા પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. ઈમરાન ખાને નિવેદન બાદ ભારત સરકાર તરફથી મિજીતો વિનિતોએ પાકિસ્તાનની જોરદાર ખબર લીધી હતી.

તેમણે કહ્યું કે, પાકિસ્તાનને હવે પીઓકે ખાલી કરવુ પડશે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતીય મિશનના પ્રથમ સચિવ મિજિતો વિનિતોએ કહ્યું કે, ઈમરાન ખાને ભારતને લઈને અનેક વાતો કરી છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, તેઓએ બધુ પોતાના વિશે કહ્યું છે.

પાકિસ્તાનની પાસે આ મહાસભામાં ખોટુ બોલવા સિવાલ કંઈ ન હતું. ઈમરાન ખાને પોતાની વાતને જ ખોટી સાબિત કરી છે. ઈમરાન ખાને ૨૦૧૯માં માન્યું હતું કે, તેમના દેશમાં ૩૦ થી ૪૦ હજાર આતંકીઓને ટ્રેનિંગ આપવામાં આવી હતી અને બાદમાં તેઓને ભારત અને અફઘાનિસ્તાનમાં આતંકવાદ ફેલાવવા માટે મોકલવામાં આવ્યા.

તેઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ કે, કાશ્મીર ભારતનુ અભિન્ન અંગ છે અને જે વિસ્તારો પર પાકિસ્તાનનો કબજો છે, તેને ખાલી કરવામાં આવે. રાઈટ ટુ રિપ્લાય અંતર્ગત ભારતે પાકિસ્તાનને આ જવાબ આપ્યો છે.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ૭૫ માં સત્રમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પોતાના પહેલેથી રેકોર્ડ કરાયેલ વીડિયો સંબોધનમાં જમ્મુ-કાશ્મીર સહિત ભારતના આંતરિક મામલાનો ઉલ્લેખ કર્યો. ખાનના સંબોધનમાં જેમ ભારતનો ઉલ્લેખ થયો, તેમ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશનના પ્રથમ સચિવ મિજીતો વિનિતો મહાસભામા હોલથી બહાર જતા રહ્યા. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ૭૫મી વર્ષગાંઠ દરમિયા પોતાના નકારાત્મક ઈરાદાઓ જ રજૂ કર્યા. કાશ્મીર મુદ્દે દરેક વખતે મોંની ખાધા પછી પણ ઈમરાન સુધર્યા નથી.

તેમણે યુનાઇટેડ નેશન્સ ફોરમનો કિંમતી સમય ભારતની બુરાઈ કરવામાં ખર્ચ કરી નાંખ્યો. આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતની સૈન્ય પર ઘણા ખોટા આક્ષેપો કર્યા. જોકે, ભારતે પણ વિરોધ કરવામાં મોડું ન કર્યું અને ઇમરાનના સંબોધનની વચ્ચે યુએનજીએના કોન્ફરન્સ હોલમાંથી ભારતીય રાજદ્વારી બહાર નીકળી ગયા.

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર નિશાનો સાધતા કહ્યું કે આરએસએસ ગાંધી અને નહેરુના બિનસાંપ્રદાયિક મૂલ્યોને પાછળ રાખી ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ૨૦૦૨ ના ગુજરાતના રમખાણોનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે ભારતમાં મુસ્લિમો પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યા છે.

ઇમરાને પોતાના ભાષણ દરમિયાન કાશ્મીર રાગ પણ આપ્યો હતો. તેમણે કહ્યું કે ભારતે કાશ્મીર પર ગેરકાયદેસર કબજો કર્યો છે અને ત્યાંના લોકોના માનવાધિકારનું ઉલ્લંઘન કરી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રએ તેના ઠરાવ હેઠળ તેનો ઉકેલ લાવવો જોઈએ. કલમ ૩૭૦ નાબૂદનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે તેનાથી કાશ્મીરી લોકોના હક્કો નાબૂદ કર્યા છે. તેમના ભાષણ દરમિયાન ઇમરાન ખાન મુસ્લિમોના મસીહા બનવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.

તેમણે વિશ્વભરના મુસ્લિમો વિરુદ્ધ કથિત અત્યાચારનો વિરોધ કર્યો હતો. તેમણે ભારત પર રાજ્યના પ્રાયોજક ઇસ્લામોફોબીયા ફેલાવવાનો આરોપ લગાવ્યો. તેમણે ભારતમાં આરએસએસનું નામ લઈ મુસ્લિમો વિરુદ્ધ હિંસા ફેલાવવાનો પણ આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે ૧૯૯૨ માં બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી હતી અને હવે મુસ્લિમો ઉપર જુલમ થઈ રહ્યો છે. ઇમરાને આરોપ લગાવ્યો છે કે કાશ્મીરમાં અવાજ ઉઠાવનારા લોકો પર તેમના હક્કોનું ઉલ્લંઘન કરી પેલેટ ગન ચલાવવામાં આવી રહી છે.

આ બધું આરએસએસના વિચારધારા ભાજપના શાસનમાં થઈ રહ્યું છે. ગયા વર્ષે ઓગસ્ટથી ભારતે વધારે પ્રમાણમાં સૈન્યની તૈનાત કરીને કાશ્મીરી નેતાઓને બંધ કરી દીધા હતા. સમગ્ર કાશ્મીરમાં કર્ફ્‌યુ લાદવામાં આવ્યો હતો, લોકોને સજા કરવામાં આવી હતી. તેમણે આક્ષેપ પણ કર્યો હતો કે હજારો કાશ્મીરીઓ ખોટા એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. તેમણે આરોપ લગાવ્યો કે ભારતીય સેના નિર્દોષ લોકોને નિશાન બનાવી રહી છે. તેમણે ભારતને ધમકી આપતા કહ્યું કે જો કોઇ પ્રકારનું ગેરવર્તન થશે તો અમે છેલ્લા સમય સુધી લડીશું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.