શાળા-કોલેજાેના સહકારથી ઘણાની કેરિયર બચાવી શકાય: સોનુ સૂદ
મુંબઈ: કોરોના મહામારી દરમિયાન જાહેર કરાયેલા લોકડાઉન બાદ જરૂરિયાતમંદોની દિલ ખોલીને મદદ કરી રહેલા સોનુ સૂદે હવે શાળા-કોલેજોને વિનંતી કરી છે. લોકડાઉન દરમિયાન પરપ્રાંતીય શ્રમિકોની મદદ કરીને ચર્ચામાં આવેલા સોનુ સૂદે વિદ્યાર્થીઓની ફીને લઈને શાળા-કોલેજોને અપીલ કરી છે.
સોનુએ શાળા-કોલેજોને વિનંતી કરી છે કે, તેઓ આર્થિક તંગીનો સામનો કરી રહેલા વિદ્યાર્થીઓ પર ફી ભરવા માટે દબાણ ના કરે. સોનુ સૂદે આજે ટિ્વટ કરીને શાળા અને કોલેજોના સંચાલકોને ફી મુદ્દે વિનંતી કરી હતી. સોનુએ ટિ્વટમાં લખ્યું, “હું તમામ સ્કૂલો અને કોલેજોને વિનંતી કરું છું કે તેઓ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ પર ફી ભરવા માટે દબાણ ના કરે.
મહેરબાની કરીને તેમના ઓનલાઈન ક્લાસ બંધ ના કરશો. તેમને ફરીથી ઉઠવા માટે થોડો સમય આપો. તમારા તરફથી મળેલો નાનકડો સહકાર ઘણા કરિયર બચાવી શકે છે.
દયા ભાવનાનું આ પગલું તેમને સારા માણસ બનવામાં મદદ કરશે. પોતાની નિઃસ્વાર્થ મદદ કરવાની વૃત્તિથી અનેક લોકોને પ્રેરણા આપનારા સોનુ સૂદે અન્ય એક ટિ્વટમાં લખ્યું, “શિક્ષણથી મોટું બીજું કોઈ દાન નથી. હાલ સ્કૂલ-કોલેજો અને અધ્યાપકો માટે પરીક્ષાની ઘડી છે.
ફી માટે થઈને વિદ્યાર્થીઓ પાસેથી અભ્યાસનો અધિકાર ના છીનવશો. આ મહામારીમાં પણ બાળકોની ફી ભરવા સક્ષમ હોય તેવા વાલીઓને પણ સોનુએ વિનંતી કરી છે. સોનુએ લખ્યું, “બાળકોની ફી ભરી શકતા હોય તેવા તમામ વાલીઓને વિનંતી છે કે તેઓ ફી ભરી દે.
સ્કૂલો અને શિક્ષકોને પણ નિર્વાહ માટે રૂપિયાની જરૂર પડે છે. જે લોકોને પોસાતું હોય તેઓ એક બાળકનો ખર્ચો ઉઠાવવાની જવાબદારી ઉપાડી શકે છે. આજે નહીં તો ક્યારેય નહીં. સોનુના આ ત્રણ ટિ્વટ પહેલા એક યુવતીએ પોતાની બહેનના શિક્ષણ માટે સોનુ પાસે આર્થિક મદદ માગી હતી. તેણે કહ્યું હતું કે, તેઓ ગરીબ હોવાથી તેની બહેનની કોલેજની બીજા વર્ષની ફી નથી ભરી શકતા.