જુગારના અડ્ડા પર ઠેર ઠેર દરોડાઃ ૧૬ જુગારીઓની ધરપકડ
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શ્રાવણ મહિનાની શરૂઆતને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે અમદાવાદ શહેરમાં જુગારની મોસમ શરૂ થઈ ગઈ છે. ગઈકાલે પોલીસે માધુપુરા રખિયાલ, ઓઢવ અને સાબરમતી વિસ્તારમાં જુગારના અડ્ડાઓ પર દરોડા પાડી બે મહિલા સહિત ૧૬ જુગારીઓને ઝડપી લઈ આશરે રૂ.૩૦ હજારથી વધુ કિંમતનો મુદ્દામાલ કબજે કરી ગુના દાખલ કર્યા છે.
શહેરના માધુપુરા વિસ્તારમાં આવેલા ભારતનગરના એક મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે ગઈ રાત્રે દરોડો પાડી હિતેશ પટેલ સહિત પાંચ શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ રોકડ રકમ, જુગારના સાધનો તેમજ અન્ય ચીજવસ્તુઓ મળીને કુલ આશરે રૂ.૧પ હજારની કિંમતનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ઓઢવ વિસ્તારના રીંગરોડ પર મારૂતીનગર ગેટ નજીક આવેલા જાગણી માતાના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા પરમાત્મા ભારથી તેમજ એક મહિલા સહિત પાંચ જણાને ઝડપી લઈને રૂ.પાંચ હજારનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ શરૂ કરી છે.
આ ઉપરાંત રખિયાલ વિસ્તારમાં લાલ મીલની ગેટની બાજુમાં મહમ્મદકયુમ અય્યુબ અંસારી નામનો શખ્સ જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે પોલીસે ઉપરોક્ત સ્થળે છાપો મારી પાંચ શખ્સોને જુગાર રમતા આબાદ રીતે ઝડપી લઈ રૂ.પાંચ હજારનો મુદ્દામાલ કબજે કરી આ અંગે ગુનો દાખલ કર્યો છે. આ ઉપરાંત સાબરમતી વિસ્તારમાં પણ પોલીસે જુગારના અડ્ડા પર દરોડા પાડી જુગારીઓને ઝડપી લીધા હોવાનું જાણવા મળે છે. શ્રાવણ માસના આગમન પૂર્વે જ જૂગારીઓ તેમના શોખ પૂરા કરવા માટે સારી હોટલોના બુકિંગ કરાવી રહ્યા છે. જેની પર પોલિસ વિભાગ ચાંપતી નજર રાખે છે. તદ ઉપરાંત બંધ બારણે ખાનગી મિલકતો અને ફાર્મ હાઉસો પર નજર રાખવા ડીજીપી લેવલથી આદેશ અપાયા છે.