વ્યવસાયિકને મંજૂરી નહીં, શેરી ગરબા પર વિચારણા થશે
ગાંધીનગર: રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે ગાંધીનગર ખાતે યોજાયેલી કેબિનેટ બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરી હતી. પટેલે કહ્યું હતું કે આજની બેઠક બાદ અમને બાબરી વિધ્વંસના ચુકાદાનો કોર્ટે જે ર્નિણય કર્યો છે તે અંગે જાણીને ખુશી થઈ છે. નીતિન પટેલે આ પ્રેસ કોન્ફરન્સમાં નવરાત્રી અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે નવરાત્રિના આયોજન અંગે રાજ્યસરકારનું સ્ટેન્ડ ખૂબ ક્લિયર છે. તેમણે પત્રકારોને જણાવ્યું કે આજે ભારત સરકાર દ્વારા અનલૉકની નવી ગાઇડલાઇન જાહેર થશે. ગુજરાત સરકાર ભારત સરકારની ગાઇડલાઇનને અનુસરી અને તેમાં કેટલી છૂટ આપવી જોઈએ તે ર્નિણય કરશે.
આ વર્ષે નવરાત્રીના આયોજન અંગે રાજ્ય સરકારનું સ્ટેન્ડ ખૂબ ક્લિયર છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અગાઉ જાહેરાત કરીને કહ્યું હતું કે અમદાવાદમાં યોજાતા રાજ્ય સરકારના વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવને મોકૂફ રાખવામાં આવશે. નીતિન પટેલે ઉમેર્યુ કે આ વર્ષે બિઝનેસ હેતુથી યોજાતા પાર્ટી પ્લોટનાં કે અન્ય મોટા આયોજનની દૃષ્ટીએ સરકાર તરફથી મંજૂરી નહીં મળે. જોકે, અન્ય મોટા આયોજનો અંગે આયોજકોએ સામેથી જ આયોજન ન કરવાનો ર્નિણય કર્યો છે. રાજ્યમાં ગરબા યોજાવા જોઈએ કે નહીં તે અંગે અમે નિષ્ણાતોના અને તબીબો સાથે નાગરિકોના મત લીધા હતા. આમાં નિષ્ણાતોનો અભિપ્રાય એવો છે કે સરકારે ગરબાનું આયોજન કરવાની પરવાનગી આપવી ન જોઈએ. નીતિન પટેલે ઉમેર્યુ કે ‘મોટા આયોજનો શક્ય નથી
ત્યારે લોકો માતાજીની આસ્થા અને ભક્તિ માટે શેરીમાં જે ગરબીઓ કરે છે, તેમને કઈ રીતે પરવાનગી આપી શકાય કે આવા આયોજનો મર્યાદિત સંખ્યામાં કેવી રીતે યોજી શકાય તે અંગે હજુ કોઈ ર્નિણય કરાયો નથી. અમે સરકારની બેઠકમાં આ વિષય મૂકીને તે અંગે યોગ્ય ર્નિણય કરીશું.