દિલ્હીની ગેંગના નામે વેપારી પાસે ત્રણ લાખની ખંડણી માંગતો યુવાન ઝડપાયો
ખંડણીમાં બે મિત્રોનું નામ બહાર આવતા ક્રાઈમબ્રાંચે શોધખોળ હાથ ધરી ઃ વાડજ વિસ્તારની ઘટના
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના વાડજ વિસ્તારમાં રહેતા એક યુવાને આર્થિક સંકડામણના પગલે ગુનાહીત રસ્તો અપનાવીને પાડોશમાં રહેતા એક સોની પરીવારને દિલ્હીની બિશ્નોઈ ગેંગના નામે ધમકીઓ આપી હતી અને તેમની પાસે રૂપિયા ત્રણ લાખની ખંડણી માંગી હતી જાેકે ક્રાઈમબ્રાંચને જાણ થતાં આરોપીને ઝડપી લેવાયો હતો.
આ ઘટના અંગેની વિગત એવી છેકે નવા વાડજ ભીમજીપુરા ક્રાંતિ એપાર્ટમેન્ટ ખાતે રહેતા વિજયભાઈ સોની પોતાનું ઈલેકટ્રીક મીટર જાેતાં તેમાંથી ગેંગસ્ટર બિશ્નોઈના નામે રૂપિયા ત્રણ લાખની ખંડણી માંગતી ચીઠ્ઠી મળી આવી હતી અને રૂપિયા ન ચુકવાય તો ઘરના સભ્યોને મારી નાંખવાની ધમકીઓ આપી હતી બાદમાં ઉદીતભાઈ તરીકે વચ્ર્યુઅલ નંબર પરથી પણ કોલ આવ્ય્ હતો જેણે ધમકી ભરી ભાષામાં વાત કરી હતી વેપારી વિજયભાઈએ આ અંગે જાણ કરતાં શહેર ક્રાઈમ બ્રાંચની ટીમે વચ્ર્યુઅલ કોલ ટ્રેસ કરીને વોચ ગોઠવી અખબારનગર રેલ્વે ક્રોસીંગ નજીકથી સિધ્ધાર્થ ઉર્ફે સોનુ ભરતભાઈ પંચાલ (ક્રાંતિ એપાર્ટમેન્ટ, વાડજ)ને ઝડપી લીધો હતો.
પુછપરછમાં એન્જીનિયરીંગનું ભણેલ સિધ્ધાર્થ હાલમાં પિતા સાથે વેપારમાં જાેડાયો હતો પરંતુ આર્થિક સંકડામણ અનુભવતો હોવાથી વેપારી વિજયભાઈને ટાર્ગેટ કર્યા હતા તથા યુટયુબ પરથી વચ્ર્યુઅલ કોલ કરવાનું શીખીને તેમની પાસે બિશ્નોઈના માણસ તરીકે ખંડણી માંગી હતી. આ ગુનામાં ક્રાઈમબ્રાંચે સિધ્ધાર્થના મિત્ર પવન (ઓડાના મકાન, ચાંદલોડીયા) તથા લકી તિવારી પણ સામેલ હોવાનું ખુલતા બંનેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.