ગોમતીપુરનાં પૂર્વ ધારાસભ્યના પરિવારે પોલીસ પર હુમલો કર્યો
ચેક રીટર્ન કેસમાં વોરંટ બજવવા ગયેલી પોલીસ પર પરીવારનાં સભ્યો તૂટી પડયા |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : ચેક રીટર્નનાં જુના કેસમાં વોરંટ બજાવવા ગયેલી ગોમતીપુર પોલીસ ઉપર પૂર્વ ધારાસભ્ય જીતુ વાઘેલાનાં પરીવારજનોએ હુમલો કરવાની ઘટનાં ગઈકાલે સાંજે બનતાં ચકચાર ફેલાઈ છે.
વોરંટ બજાવવા ગયેલાં પાંચ કોન્સ્ટેબલોને ટોળાએ ઘેરીને ઝઘડામાંથી તથા ધકકા મુકકી કરતાં પકડાયેલો આરોપી જયેશ વાઘેલા ત્યાંથી ભાગી જવામાં સફળ રહયો હતો. આ વાત વાયુવેગે ફેલાતાં સમગ્ર ગોમતીપુરમાં ચર્ચાનો વિષય બની હતી.
આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે શાબીરભાઈ નામનાં વ્યકિતએ ગોમતીપુરનાં પૂર્વ ધારાસભ્ય જીતુભાઈ વાઘેલાનાં ભાઈ જયેશ વાઘેલા વિરૂધ્ધ ચેક રીટર્ન બાબતે કેસ કર્યો હતો. આ સંદર્ભે છેલ્લ ચારેક મહીનાથી વારંવાર વોરંટ બજાવ્યા છતાં જયેશ વાઘેલા હાજર થતો નહતો. બીજી તરફ ગઈકાલે સાંજે શાબીરભાઈએ જયેશ વાઘેલાને શંકરપુરાની ચાલી સિલ્વર ચોકી નજીક ગોમતીપુર ખાતેનાં ઘરે જાયો હતો.
જેથી તેમણે તુરંત કંટ્રોલ રૂમને જાણ કરતાં ગોમતીપુર પોલીસની પીસીઆર વાનમાં ચાર જવાનો શબીરભાઈને લઈને શંકરપુરાની ચાલી ખાતે વોરંટ બજવણી માટે પહોચ્યા હતા.
પોલીસને જાતાં જ જયેશ ઘરની અંદર છુપાઈ ગયો હતો. જેથી પોલીસનાં પાંચ જવાનો તેને પકડીને બહાર લાવતાં તેનાં પિતા ઉમાકાંતભાઈ પત્ની તથા અન્ય ત્રણ મહીલાઓ સહીતનાં લોકો જયેશને છોડાવવા વચ્ચે પડયા હતા.
આ દરમ્યાન શંકરપુરાની ચાલીમાં રહીશોનું ટોળું એકત્ર થઈ જતાં પરીસ્થિતી વણસી હતી. અને વધુ પોલીસ બોલાવાય એ પહેલાં પાંચેય જવાન સાથે ધકકામુકી અને ઝપાઝપી કરાઈ હતી. ઉપરાંત એક કોન્સ્ટેબલનાં ચહેરા પર મહીલાએ નખ મારી દીધા હતા. તથા પેટમાં ફેટો પણ મારી દેતાં વાતાવરણ તંગ બની ગયું હતું.
આ સ્થિતીનો લાભ ઉઠાવી જયેશ ત્યાંથી ભાગી છુટયું હતું. પોલીસને ધકકે ચડાવ્યાના મેસેજ કંટ્રોલ રૂમને મળતાં જ વધુ કાફલો શંકરપુરાની ચાલી જવા રવાના થયો હતો.
સુત્રોના જણાવ્યા અનુસાર થોડીવારમાં જીતુ વાઘેલા પણ આવી પહોંચતા તેમણે પણ પોલીસ સાથે ગેર વર્તણુંક કરી હતી. સુત્રોએ વધુમાં જણાવ્યું હતું કે પોલીસ જયારે પણ શંકરપુરાની ચાલીમાં કોઈ કેસ અંગે જાય ત્યારે પૂર્વ ધારાસભ્ય તેમાં દખલ કરતાં હોય છે. તથા રૂકાવટ કરતાં હોય છે.
ઈજાગ્રસ્ત પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈને તાત્કાલીક દવાખાને લઈ જવામાં આવ્યા હતા. બાદમાં તેમણે જીતુ વાઘેલા તેમનાં પરીવાર તથા અન્યો વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે. પોલીસ આજે તેમના નિવેદનો લઈ આગળની કાર્યવાહી હાથ ધરશે.