ફરહાન અખ્તર સુશાંતના કૂકને પોતાના ઘરમાં જોઈ ભડક્યો
મુંબઈ: સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે હજી તપાસ ચાલી રહી છે. આ દરમિયાન આ કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવતા ઘણા બોલિવુડ સેલેબ્સના નામ ઉછળ્યા હતા. થોડા દિવસ પહેલા જ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ રકુલ પ્રીત સિંહ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર અને દીપિકા પાદુકોણની પૂછપરછ કરી હતી. આ દરમિયાન અહેવાલો હતા કે ફરહાન અખ્તરના ઘરે કેશવ નામનો એક શખ્સ કામ કરી રહ્યો છે, જે અગાઉ સુશાંત સિંહ રાજપૂતના ઘરે કામ કરતો હતો. જો કે, ફરહાન અખ્તરે ટિ્વટ કરીને આ ખબરોને પાયાવિહોણી ગણાવી છે. સ્ક્રીનરાઈટર, એક્ટર અને ડિરેક્ટર ફરહાન અખ્તરે ટિ્વટ કરીને લખ્યું, રેકોર્ડ માટે કહી દઉં કે, મારા ઘરે કેશવ નામનો કોઈ વ્યક્તિ કામ નથી કરતો. જૂઠ્ઠાણાં ચલાવવા માટે જાણીતી એક ન્યૂઝ ચેનલે બીજું એક જૂઠ્ઠાણું ચલાવ્યું છે.
મહેરબાની કરીને મૂરખ ના બનશો. એક વ્યક્તિ ટીવી પર બૂમબરાડા પાડે છે એનો અર્થ એ નથી કે એ સાચું બોલી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા અહેવાલો હતા કે સુશાંતના બે પૂર્વ કર્મચારીઓ કેશવ અને નીરજે અનુક્રમે ફરહાન અખ્તર અને સારા અલી ખાનના ઘરે કામ કરવાનું શરૂ કર્યું છે. ત્યારે હવે ફરહાન અખ્તરે આ ખબરને ખોટી ગણાવી છે. જણાવી દઈએ કે, ફરહાન અખ્તરની ગર્લફ્રેન્ડ શિબાની દાંડેકર રિયા ચક્રવર્તીની ફ્રેન્ડ છે અને રિયા સામે ચાલી રહેલા મીડિયા ટ્રાયલ અંગે શિબાનીએ અવાજ ઉઠાવ્યો હતો. સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ ફરહાન અખ્તરે એક કવિતા લખી હતી. સુશાંતના મોતને ઈન્ડસ્ટ્રી માટે મોટી ખોટ ગણાવી હતી.
હાલ તો સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે ત્રણ એજન્સીઓ સીબીઆઈ, ઈડી અને એનસીબી તપાસ કરી રહી છે. જો કે, સુશાંતના મોતના ૧૦૦થી વધુ દિવસ વિત્યા હોવા છતાં કેસ ઉકેલાયો નથી. સીબીઆઈએ સુશાંતના મોત મામલે તેના રૂમમાં ડમી ટ્રાયલ કર્યો હતો, જેની રિપોર્ટ હજી આવી નથી. જ્યારે એમ્સએ પોતાનો રિપોર્ટ સીબીઆઈને સોંપી દીધો છે. જો કે, હજી સુધી સ્પષ્ટ નથી થયું કે, સુશાંતે આત્મહત્યા કરી હતી કે તેની હત્યા થઈ હતી. સીબીઆઈએ કહ્યું હતું કે, તેઓ હાલ દરેક પાસાની તલસ્પર્શી તપાસ કરી રહ્યા છે એટલે જ વાર લાગી રહી છે. જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપૂત ૧૪ જૂનના રોજ બાંદ્રા સ્થિત તેના ઘરે મૃત હાલતમાં મળી આવ્યો હતો.