અક્ષય કુમારની માસ્ક નહીં પહેરવા પર ફજેતી થઇ
મુંબઈ: બોલિવૂડનાં હિટ અને ફિટ એક્ટર અક્ષય કુમાર આમ તો કોરોના વાયરસનાં સંક્રમણ અંગે ઘણો જ જાગૃત છે અને લોકોને સલાહો પણ આપે છે. પણ હાલમાં તેની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થતા તેની ભારે ફજેતી થઇ છે. આ તસવીરમાં બેલબોટમની આખી ટીમ નજર આવી રહી છે. જેઓ પ્રાઇવેટ પ્લેનમાં છે અને કોઇએ પણ માસ્ક પહેર્યુ નથી કે સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ ધ્યાન રાખ્યું નથી. માસ્ક ન પહેરવા પર અને બે ગજની દૂરી ન રાખવા પર અક્ષય કુમાર સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ થઇ રહ્યો છે. હાલમાં જ અક્ષય કુમાર બેલબોટમની શૂટિંગ પૂર્ણ કરીને ભારત પરત ફરી ગયો છે.
ફિલ્મ મેકર્સ તરફથી આ તસવીર શેર કરવામાં આવી છે. જેમાં આખી ટીમ એક પ્લેનમાં બેઠેલી છે. અને આ મહામારી વચ્ચે પણ કોઇએ ન તો માસ્ક પહેર્યુ છે કે ન તો જરૂરી સોશિયલ ડિસ્ટન્સ મેઇનટેઇન કર્યુ છે. ખુદ અક્ષય કુમાર પણ માસ્ક વગર નજર આવી રહ્યો છે. તેથી આ તસવીર પણ ખુબ વાયરલ થઇ રહી છે અને લોકો અક્ષય કુમારને ભારે ટ્રોલ પણ કરી રહ્યાં છે એક લખે છે કે, ‘કહેવા માટે તો પ્રાઇવેટ પ્લેન છે પણ ભીડ લોકલ ટ્રેન જેવી છે.’ તો એક યુઝર લખે છે કે, ‘આ જોઇને મને વધુ એક મહામારીનો આભાસ થઇ રહ્યો છે.’
અન્ય એક ફેન લખે છે, ‘આ બધાનાં માસ્ક ક્યાં છે?’ તો કેટલાંક લોકો અક્ષય કુમાર દ્વારા જ કહેવામાં આવેલી વાતો તેને યાદ અપાવી રહ્યાં છે અને તેને સાવધાની વર્તવા કહે છે. દેશમાં જ્યારે અનલોકની પ્રક્રિયા શરૂ થઇ હતી ત્યારે અક્ષય કુમાર આગ્રહ કરી રહ્યો હતો કે ઘરની બહાર નીકળતા સમયે માસ્ક જરૂર પહેરો અને સોશિયલ ડિસ્ટન્સિંગનાં નિયમોનું પાલન કરો. હવે ફેન્સ સવાલ કરી રહ્યાં છે કે, પોતાની આપેલી સલાહો અક્ષય ખુદ ભૂલી ગયો કે શું.