અમદાવાદમાં ઝાડા ઉલ્ટીના માત્ર ૨૭ દિનમાં ૮૩૧ કેસ
કમળાના ૩૮૨ કેસ સપાટી પર આવતા ખળભળાટ- અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશન આરોગ્ય વિભાગ દ્વારા જારદાર કાર્યવાહીઃટાઇફોઇડના ૫૬૩થી વધુ કેસ નોંધાયા
અમદાવાદ, અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના નવા કેસો સપાટી પર આવ્યા છે. એકાએક હવામાનમાં પલટા વચ્ચે હાલમાં વરસાદી માહોલ છવાયો છે. આ પહેલા ભીષણ ગરમી પડી હતી. જુલાઈ મહિનામાં તંત્ર દ્વારા વિવિધ પગલા લેવામાં આવ્યા હોવા છતાં ઝાડા-ઉલ્ટીના ૮૩૧ અને ટાઈફોઈડના ૫૬૩ કેસ સપાટી પર આવ્યા છે. કમળાના ૩૮૨ કેસ નોંધાઈ ગયા છે. ૨૭મી જુલાઈ સુધીના ગાળામાં ઝાડા-ઉલ્ટીના મોટી સંખ્યામાં કેસો સપાટી ઉપર આવતા તંત્રમાં ભાગદોડ મચી ગઈ છે. જુલાઈ ૨૦૧૯માં કોલેરાના ૦૭ કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો હતો. જે વિસ્તારમાં કોલેરાના કેસો નોંધાયા છે તેમાં સૈજપુર-૧, વ†ાલ ૧, દાણીલીમડા ૧, નિકોલ ૧, લાંભા ૩ એમ કુલ સાત કોલેરાના કેસ નોંધાયા છે.
અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગ જેમ કે ડેન્ગ્યુ, ચિકનગુનિયાના આંકડા ઉપર નજર કરવામાં આવે તો છેલ્લા ૨૭ દિવસના ગાળામાં સાદા મેલેરિયાના સત્તાવાર રીતે ૫૧૫ કેસ અને ઝેરી મેલેરીયાના ૨૨ કેસ નોંધાઈ ગયા છે. જુલાઈ ૨૦૧૮માં ૧૧૬૦૮૦ લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. જેની સામે ૨૭મી જુલાઈ ૨૦૧૯ સુધીમાં ૧૧૬૫૫૩ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી ચુકી છે. આવી જ રીતે સિરમ સેમ્પલની વાત કરવામાં આવે તો જુલાઈ ૨૦૧૮માં ૩૪૦૭ સિરમ સેમ્પલની સામે ૨૭ જુલાઈ ૨૦૧૯ સુધીમાં ૧૮૩૩ સિરમ સેમ્પલ લેવામાં આવી ચુક્યા છે.
ચાલુ માસ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવ્યા છે જેમાં ક્લોરિન ટેસ્ટ, બેક્ટીરીયોલોજીકલ તપાસ માટે પાણીના નમૂના, બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોનો નાશ, ક્લોરિન ગોળીઓના વિતરણ જેવા પગલા સામેલ છે. આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વિસ્તારમાં ક્લોરિન ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું છે. ઉપરાંત નમૂનાઓના ટેસ્ટ પણ લેવાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા ચાલુ માસે સાવચેતીના પગલા રૂપે ૪૯૫૦૩ ક્લોરિન ગોળીનુ વિતરણ થયું છે.