માથાભારે માયા યાદવની મોન્ટુ ગાંધીને ખંડણી માટે ધમકી
અમદાવાદ: શહેરમાં લુખાતત્વોએ હવે તો જાણે હદ વટાવી દીધી હોય તેમ લાગી રહ્યું છે. ચોરી, લૂંટ બાદ હવે ખંડણીનો બનાવ સામે આવ્યો છે. ફરિયાદીના પિતા બહુ રૂપિયા કમાયા હોવાનું કહીને આરોપીએ રૂપિયા ૫૦ લાખની ખંડણી માંગી અને જો રૂપિયાના આપે તો દીકરાને ઉપાડી લઈ જઈ હાથ પગ ભાંગી નાખવાનો ધમકી આપી. ફરિયાદીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના વટવા રીંગ રોડ પર ગામડી ગામ પાસે ફાર્મ ધરાવીને ખેતી કરતા પ્રિન્સ ગાંધીએ પોલીસ ફરિયાદ આપી છે કે તેના પિતાના મોબાઇલ પર પ્રદીપ ઉર્ફે માયા યાદવનો ફોન આવ્યો હતો. અને કહેવા લાગ્યો કે પવન ઉર્ફે સચિન ગાંધીએ તેને કહ્યું છે કે મોન્ટુ ગાંધી બહુ પૈસા કમાયો છે.
જેથી તારે રૂપિયા ૫૦ લાખની ખંડણી આપવી પડશે. અને જો રૂપિયા નહિ આપે તો તારા દીકરા પ્રિન્સને ઉપાડી જઈશ અને હાથ પગ ભાંગી નાખીશ. આમ કહીને ફોન કટ કરી દિધો હતો. જો કે જે તે સમયે ફરિયાદીને તેના પિતાએ પોલીસ ફરિયાદ નહિ કરવાનું કહીને અરજી આપવાનું કહેતા અરજી આપી હતી. પરંતુ બાદમાં જાણવા મળ્યું હતું કે આરોપી વિરુદ્ધમાં અગાઉ પણ અમરાઈવાડી, નારણપુરા અને સોલામાં પોલીસ ફરિયાદ થયેલી હોવાથી ફરિયાદીને જીવનું જોખમ લાગતા પોલીસ ફરિયાદ દાખલ કરાયેલી છે. હાલમાં પોલીસ એ આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. જો કે અગાઉ પણ આ પ્રકારના અનેક બનાવો સામે આવ્યા છે.
શહેરના ઓઢવ વિસ્તારમાં સુરતના બે વેપારીઓને માર મારી રૂપિયા ૫૦ લાખની ખંડણી માંગતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. આરોપીઓએ આ બંને વેપારીઓને સુરતથી અમદાવાદ ખાતે બોલાવ્યા હતા. જે બાદમાં એક જગ્યાએ લઈ જઈને બંનેને માર માર્યો હતો. આ દરમિયાન દક્ષા નામની એક મહિલાએ આરોપીઓને ધમકી આપી હતી કે જો પૈસા નહીં આપો તો મારી સાથે તમારા નગ્ન ફોટો ક્લિક કરીને વાયરલ કરી દઈશ. જે બાદમાં ફરિયાદી વેપારીએ તેના ભાઈ પાસેથી પૈસા મંગાવ્યા હતા.