મ્યુનિ.મિલ્કતવેરાની આકારણી પૂર્ણઃ ૩૫ હજાર મિલ્કત વધી
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ મિલ્કતવેરા વિભાગ દ્વારા નવા નાણાંકીય વર્ષની આકારણી પૂર્ણ થઈ ગઈ છે. તથા દક્ષિણ ઝોન સિવાય બાકી ૦૬ ઝોનમાં બીલ વહેંચણીની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગત નાણાંકીય વર્ષની સરખામણીએ વર્તમાન નાણાંકીય વર્ષમાં ૩૫ હજાર મિલ્કતો વધી છે. કોરોનાકાળ અને લોકડાઉનની ગંભીર હોવા છતાં પણ પ્રોપર્ટી ટેક્ષ પેટે રૂા.૫૫૦ કરોડ કરતા વધુ આવક થઈ છે. જ્યારે વ્હીકલ ટેક્ષની આવકમાં ૩૫ ટકા જેટલો ઘરખમ ઘટાડો થયો છે.
મ્યુનિ.પ્રોપર્ટી ટેક્ષ વિભાગ દ્વારા નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે ૨૧ લાખ ૪૧ હજાર મિલ્કતોની આકારણી કરવામાં આવી છે. કમીટી ચેરમેન ગૌતમ કથીરિયાના જણાવ્યા મુજબ વર્તમાન નાણાંકીય વર્ષમાં ૧૬.૩૫ લાખ રહેણાંક તથા ૫.૧૫ લાખ કોમર્શીયલ મિલ્કતોની આકારણી કરવામાં આવી છે. નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ની કુલ ડીમાન્ડ રૂા.૧૧૩૨ કરોડ છે. ગત નાણાંકીય વર્ષીયમાં ૨૧.૦૬ લાખ મિલ્કતોની આકારણી કરવામાં આવી હતી. તેમજ પ્રોપર્ટી ટેક્ષની ડીમાન્ડ રૂા.૧૦૨૫ કરોડ હતી. આમ ગત વર્ષની સરખામણીએ વર્તમાન નાણાંકીય વર્ષમાં ૩૫ હજાર મિલ્કતો તથા રૂા.૯૦ લાખની ડીમાન્ડ વધી છે.
મ્યુનિ.ટેક્ષ વિભાગ દ્વારા બીલ વહેંચણી શરૂ કરવામાં આવી છે. કોરોના અને લોકડાઉનના કારણે દક્ષિણ ઝોનમાં ૨૦ ટકા મિલ્કતોની આકારણી મોડી થઈ હોવાથી બીલની વહેંચણીમાં વિલંબ થાય તેમ છે. મ્યુનિ.કોર્પાેરેશનની હદમાં થોડા સમય પહેલાં ભેળવાયેલ બોપલ-ઘુમામાં નગરપાલિકા દ્વારા આકારણી કરવામાં આવી હતી તથા બીલ આપવામાં આવ્યા હતા. તેથી બોપલ અને ઘુમામાં આગામી નાણાંકીય વર્ષથી આકારણી તેમજ બીલની પ્રક્રિયા કરવામાં આવશે. જ્યારે કઠવાડા અને નાના ચિલોડામાં મિલ્કતવેરા આકારણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ વિસ્તારોમાં આકારણી દિવાળી બાદ બીલોની વહેંચણી કરવામાં આવશે.
નવા નાણાંકીય વર્ષની શરૂઆતના બે મહિનામાં પ્રોપર્ટી ટેક્ષ પેટે માત્ર રૂા.૩.૧૨ કરોડની આવક થઈ હતી. જૂન મહિનામાં એડવાન્સ ટેક્ષ રીબેટ યોજના જાહેર કરવામાં આવ્યા બાદ મિલ્કતવેરાની આવકમાં નોંધપાત્ર વધારો થયો હતો. જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં રાજ્ય સરકારની આત્મનિર્ભર યોજના અંતર્ગત કોમર્શીયલ મિલ્કતધારકોને ૨૦ ટકા રીબેટ આપવામાં આવ્યું હતું. આ બે મહિના દરમ્યાન કોમર્શીયલ મિલ્કત કુલ ૨૦ ટકા રીબેટ આપવામાં આવતાં. ટેક્ષની આવકમાં ધરખમ વધારો થયો હતો. જૂનથી ઓગસ્ટ મહિના સુધી મિલ્કતવેરા પેટે કુલ રૂા.૫૩૭.૬૧ કરોડની આવક થઈ હતી.
Click on logo to read epaper English | Click on logo to read epaper Gujrati |
સપ્ટેમ્બર મહિનામાં રીબેટ યોજના બંધ થયા બાદ આવક ઘટી હતી તથા મિલ્કતવેરા પેટે માત્ર રૂા.૧૧.૪૦ કરોડની આવક તંત્રને મળી હતી. નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ૯ ઓક્ટોબર સુધી મનપાને મિલ્કતવેરા પેટે કુલ રૂા.૫૫૭.૫૨ કરોડની આવક થઈ છે. મધ્ય ઝોનમાં રૂા.૯૦.૧૦ કરોડ, ઉત્તર ઝોનમાં રૂા.૪૩.૫૨ કરોડ, દક્ષિણ ઝોનમાં રૂા.૪૩.૯૭ કરોડ, પૂર્વ ઝોનમાં રૂા.૪૯.૪૫ કરોડ, પશ્ચિમ ઝોનમાં રૂા.૧૫૪.૩૧ કરોડ, ઉત્તર પશ્ચિમ ઝોનમાં રૂા.૧૦૩ કરોડ તથા દક્ષિણ પશ્ચિમ ઝોનમાં રૂા.૭૩.૧૬ કરોડની આવક થઈ છે. ગત નાણાંકીય વર્ષમાં આ જ સમયગાળા દરમ્યાન મિલ્કતવેરા પેટે રૂા.૬૯૦.૬૭ કરોડની આવક થઈ હતી. વર્તમાન નાણાંકીય વર્ષમાં આ સમયગાળા દરમ્યાન પ્રોપર્ટી ટેક્ષ પેટે રૂા.૧૩૩.૧૭ કરોડનો ધરખમ ઘટાડો થયો છે. નવા બીલની વહેંચણી બાદ મિલ્કતવેરાની આવકમાં વધારો થશે.
વર્તમાન નાણાંકીય વર્ષમાં પ્રોફેશનલ ટેક્ષ પેટે રૂા.૮૫.૭૬ કરોડની આવક થઈ છે. ગત વર્ષની સરખામણીએ રૂા.૧૯ કરોડની આવક ઓછી થઈ છે. જ્યારે સૌથી વધુ ઘટાડો વ્હીકલ ટેક્ષમાં થયો છે. વાહનવેરા પેટે ૯ ઓક્ટોબર સુધી રૂા.૨૭.૭૫ કરોડની આવક થઈ છે. જેમાં ગત વર્ષની સરખામણીએ રૂા.૧૪.૩૨ કરોડનો ઘટાડો થયો હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું.