બચ્ચન જન્મ દિને ચાહકો માટે ઘરની બહાર ન આવી શક્યા
મુંબઈ: રવિવારે એટલે કે ૧૧ ઓક્ટોબરે બોલીવૂડ શહેનશાહ અમિતાભ બચ્ચનનો જન્મ દિવસ હતો. બચ્ચનના જન્મ દિવસે સમગ્ર ફિલ્મ જગતે તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉપરાતં દેશભરમાં તેમના કરોડો ચાહકોએ પણ બિગ બીનો જન્મ દિવસ ઉજવ્યો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં તેમના ચાહકો ફૂલો, બૂકે, બેનર્સ અને અન્ય ગિફ્ટ્સ લઈને તેમના મુંબઈ ખાતેના બંગલા સામે હાજર રહ્યા હતા. જોકે, આ વખતે તેમને નિરાશ થવું પડ્યું હતું. એક તરફ તેના ઘરની બહાર મોટી સંખ્યામાં પોતાના ચાહકો જન્મ દિવસની શુભેચ્છા આપવા માટે એકઠા થયા હતા ત્યારે અમિતાભ બચ્ચન તેમનું અભિવાદન કરવા માટે ઘરની બહાર આવ્યા ન હતા.
બચ્ચને ઘરની અંદર જ રહેવાનું પસંદ કર્યું હતું. જેના કારણે તેના ચાહકો ઘણા જ નિરાશ થયા હતા. જોકે, કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા બચ્ચન બહાર આવ્યા ન હતા. ચાહકો નિરાશ થયા હતા તેની સાથે અમિતાભ બચ્ચન પણ તેમને ન મળી શક્યા તેના કારણે નિરાશ થયા હતા. તેમણે પોતાના લોકપ્રિય બ્લોગ પર તેના ચાહકોની માફી માંગી હતી. તેમણે લખ્યું હતું કે, કેટલાક લોકો જલસાની બહાર આવ્યા હતા તેમની હું માફી માંગુ છું.
તેના તે પ્રયાસ બદલ હું તેમનો આભાર માનું છું પરંતુ મને ઘરની બહાર આવવાની મંજૂરી આપવામાં આવી ન હતી, કાળજી રાખવી જરૂરી છે, તેથી હું તમારી માફી માંગુ છું. અમિતાભ બચ્ચનની પુત્રવધુ ઐશ્વર્યા રાય બચ્ચને સોશિયલ મીડિયા પર અમિતાભ બચ્ચનના ૭૮મા જન્મ દિવસની ઉજવણીની તસ્વીરો શેર કરી હતી. બચ્ચને ઘરમાં જ પોતાનો જન્મ દિવસ ઉજવ્યો હતો. આ ઉપરાંત પુત્ર અભિષેક બચ્ચને પણ પિતાની નાનપણની તસ્વીર શેર કરી હતી.