ટીવી એક્ટ્રેસ દેબીના બેનર્જી અંતે કોરોનાથી મુક્ત થઈ
મુંબઈ: ટીવી એક્ટ્રેસ દેબીના બેનર્જી, કે જેનો થોડા અઠવાડિયા પહેલા કોવિડ-૧૯ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો કે હવે વાયરસ મુક્ત થઈ ગઈ છે. દેબીનાએ આ વાતની જાણકારી ફેન્સને સોશિયલ મીડિયા પર આપી છે. પોતાની પોસ્ટમાં દેબીનાએ લખ્યું છે કે, ‘આપ તમામની પ્રાર્થના માટે આભાર.
દેબીનાએ વીડિયો પણ શેર કર્યા છે, જેમાં તે લાંબા સમય બાદ પોતાના પાલતુ શ્વાન પાબ્લોને મળતી જોવા મળી રહી છે. બંને એકબીજાને જોઈને ખુશ થઈ ગયા હતા. સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં દેબીના બેનર્જી અને તેના પતિ ગુરમીત ચૌધરીનો કોવિડ-૧૯ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ બંને હોમ ક્વોરન્ટિનમાં હતા.
ગુરમીતે ટિ્વટર પર ફેન્સને જાણ કરતાં લખ્યું હતું કે, મારો અને મારી પત્નીનો કોવિડ-૧૯ રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે. અમારી તબિયત સારી છે અને હોમ આઈસોલેશનમાં રહીને જરૂરી તમામ પગલા લઈ રહ્યા છે. અમારા સંપર્કમાં જે પણ લોકો આવ્યા હતા તેમને અમે ધ્યાન રાખવાની અપીલ કરીએ છીએ. તો દેબીનાએ આ વાતની જાણ કરતાં ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, મારા પતિ ગુરમીત અને મારો કોરોના વાયરસનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે. અમે સાવચેતીના દરેક પગલા લઈ રહ્યા છીએ અને હાલ હોમ આઈસોલેશનમાં છીએ.
અમારા સંપર્કમાં આવેલા તમામને ધ્યાન રાખવાની અપીલ કરીએ છીએ. અમે ઝડપથી રિકવર થઈ જઈએ તેવી પ્રાર્થના કરજો. પ્રેમ અને સપોર્ટ આપવા માટે આપ તમામનો આભાર. કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ગુરમીત જયપુરમાં હતો અને પોતાની બોલિવુડ ફિલ્મનું શૂટિંગ પતાવ્યા બાદ ૧૭ સપ્ટેમ્બરે મુંબઈ પાછો આવ્યો હતો.
એક્ટરે મુંબઈ મિરરને જણાવ્યું હતું કે, તેમણે સાવચેતીના દરેક પગલાનું પાલન કરીને શૂટિંગ કર્યું હતું. પબ્લિકેશન વિશે વાત કરતાં એક્ટરે કહ્યું હતું કે, ૧૬ ઓગસ્ટે શહેરમાં અમારા બધાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જ્યારે શહેર છોડ્યું ત્યારે ફરીથી ટેસ્ટ કરવામાં આવ્યો. દરેકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, અમે સેટ પર જતા હતા. અમારી રસોઈ જાતે બનાવતા હતા અને બહારની કોઈ વ્યક્તિના કોન્ટેક્ટમાં નહોતા.