લીમડી નજીક વરોડ ટોલનાકા નજીકના એક પુલ પર એસટી બસ અને મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માત
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નજીક વરોડ ટોલનાકા નજીકના એક પુલ પર એસટી બસ અને મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોટરસાયકલ ચાલકનું મોત નીપજ્યું હતું. (Tragic accident between ST bus and motorcycle on a bridge near Varod Tolnaka near Limdi, Gujarat ) જ્યારે ખાનગી બસના ચાલક પોતાના કબજાની બસ સ્થળ પર મૂકી નાસી ગયાનું જાણવા મળેલ છે. પ્રાપ્ત વિગત અનુસાર મીની એસ.ટી બસના ચાલક તેના કબજાની જીજે.૧૮. ઝેડ.૩૩૨૧ નંબરની ખાનગી બસમાં પેસેન્જરો ભરી પોતાની બસ પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લીમડી થી ઝાલોદ તરફ જઈ રહ્યો હતો.
તે દરમિયાન સામેથી આવતી મોટરસાયકલને બસે અડફેટમાં લેતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બસના આગળના કાચનો ભુક્કો બોલાઈ ગયો હતો અને બસનો ચાલક પોતાના કબજાની બસ સ્થળ પર મૂકી નાસી ગયો હતો. જ્યારે મોટરસાયકલ ચાલકને હાથે પગે તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે એકત્રિત થયેલા લોકોના ટોળાએ તાબડતોબ 108 મારફતે ઇજાગ્રસ્ત બાઇકચાલકને લીમડી સરકારી દવાખાને ખસેડવામાં આવતાં
જ્યાં ઇજાની ગંભીરતાને જોઈ તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે દાહોદની સિવિલ હોસ્પિટલમાં રેફર કરાતા દાહોદ સિવિલ હોસ્પિટલના ફરજ પરના તબીબે તપાસી તેને મૃત જાહેર કર્યો હતો. આ સંબંધે લીંબડી પોલીસે ફેટ્લનો ગુનો નોંધી મરણ જનાર બાઇક ચાલકની ઓળખ મેળવવા માટેની કવાયતમાં જોતરાઈ છે.