આમોદ દિગંબર જૈન મંદિરમાં ચોરી કરનારા પાંચ પૈકી બે ચોર ઝડપાયા
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના હસ્તે ઝડપાઈ જતા પૂછપરછ દરમ્યાન ભાંગી પડતા આમોદની ચોરીની કબૂલાત કરી.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, આમોદ ગાંધીચોક ખાતે આવેલા દિગંબર જૈન મંદિરમાં ગત વર્ષે અજાણ્યા ચોરોએ મંદિરને નિશાન બનાવી ભગવાનની ઉપર લાગેલા ચાંદીના છ નંગ છત્ર તેમજ સીપીયુ ઉઠાવી ગયા હતા.જે બાબતે આમોદ પોલીસ મથકે મંદિરના પુજારીએ ફરિયાદ નોંધાવી હતી.
આમોદ દિગંબર જૈન મંદિરમાં અજાણ્યા પાંચ ચોરોએ દિગંબર વાડીના પાછળના ભાગેથી અંદર મંદિરમાં પ્રવેશ કર્યો હતો જે બાબતે તેઓ મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આબાદ ઝડપાઈ ગયા હતા.જૈન મંદિરમાં થયેલી ચોરી અંગેની તપાસ જંબુસરના સર્કલ પોલીસ ઈન્સપેક્ટર એસ એસ રાઠોડ ચલાવી રહ્યા હતા.ગત રોજ પોલીસે અજાણ્યા ચોરોને આમોદ લાવી ઘટનાનું રીકન્ટ્રક્શન કરાવ્યું હતું.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે શંકાસ્પદ લાગતા અજાણ્યા ઈસમોની પૂછપરછ કરી હતી જે અંગે કડકાઈથી પૂછપરછ કરતા આ બંને ભાંગી પડ્યા હતા અને આમોદમાં દિગંબર જૈન મંદિરમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.જેથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આમોદ પોલીસનો સંપર્ક કરી તેમને બે ચોર નામે (૧) કાનાભાઈ રસુલ માવી મૂળ રહે.સામાળાપુરા જીલ્લો અલીરાજપુર મધ્યપ્રદેશ (૨) ભારુ ખૂનજી રામસીંગ વણાનીયા રહે ગરબાડા દાહોદ.બંનેને આમોદ પોલીસને હવાલે કર્યા હતા.આ બંને ચોરોએ સીપીઆઈ ની તપાસમાં ચાંદીના છત્ર તેમના સાગરીત દિનેશ સેટિયા રહે અલીરાજપુર મધ્યપ્રદેશને સાત-સાત હજારમાં આપ્યા હોવાથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.જયારે અન્ય ત્રણ ચોરને પકડવાના ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે.
દિગંબર જૈન મંદિરમાંથી અજાણ્યા પાંચ ચોરોએ છ નંગ ચાંદીના છત્ર (આશરે પાંચ કિલો ચાંદી) જેની કિંમત રૂપિયા ૧,૭૫,૦૦૦ તેમજ સીપીયુની ચોરી કરી હતી અજાણ્યા ચોરોને મંદિરમાં લાગેલા સીસીટીવીમાં પોતે ઝડપાઈ જશે તેનો ખ્યાલ આવી જતા તેમણે મંદિરના કાર્યાલયમાં પ્રવેશ કરી સીપીયુ પણ ઉઠાવી ગયા હતા. અને મંદિરની પાછળ આવેલા નાના તળાવમાં સીપીયુ ફેંકીને જતા રહ્યા હતા. પરંતુ સમગ્ર ઘટના ડીવીઆરમાં કેદ થઈ ગઈ હતી.આમોદ પોલીસને બીજા દિવસે તળાવમાંથી સીપીયુ મળ્યું હતું.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના હાથે શંકાસ્પદ હાલતમાં ઝડપાયેલા બે ચોરને જંબુસર સર્કલ પોલીસ ઇન્સપેક્ટરે આમોદ લાવી કેવી રીતે મંદિરમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો તેનું રીકન્ટ્રક્શન કરાવ્યું હતું.પોલીસે કોર્ટમાં હાજર કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.