મહિલા પર ચારિત્ર્યનો આક્ષેપ કરી ગર્ભપાત કરાવ્યો
અમદાવાદ શહેરની યુવતિના લગ્ન રાજસ્થાનમાં કરાવ્યા બાદ સાસરિયાઓએ ગુજારેલો અમાનુષી અત્યાચાર: શાહીબાગ
|
(પ્રતિનિધિ) અમદાવાદ 06062019:અમદાવાદ શહેરમાં મહિલાઓ પર અત્યાચારના બનાવો સતત વધી રહયા છે ત્યારે શહેરના શાહીબાગ વિસ્તારમાં રહેતી એક યુવતિના લગ્ન રાજસ્થાનના યુવક સાથે કરાવવામાં આવ્યા હતા પરંતુ લગ્નના ત્રણ દિવસ બાદથી જ દહેજ ભુખ્યા સાસરિયાઓએ લાખો રૂપિયાનું દહેજ પડાવી યુવતિ પર અમાનુષી અત્યાચાર ગુજાર્યો છે.
યુવતિ પર ચારિત્ર્યના આક્ષેપો કરી તેનો બળજબરીપૂર્વક ગર્ભપાત કરાવી દેતા માનસિક રીતે ત્રસ્ત બનેલી યુવતિએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં સાસરિયાઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા છે ફરિયાદમાં યુવતિએ સાસરિયાઓ વિરૂધ્ધ દાણચોરી કરતા હોવા સહિતના ગંભીર આક્ષેપો કરતા આ ઘટનાની તપાસ ઉચ્ચ પોલીસ અધિકારીઓ કરી રહયા છે.
આ અંગેની વિગત એવી છે કે મુળ રાજસ્થાનના અને હાલમાં અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી વર્ષા સોસાયટીમાં રહેતી કુસુમ નામની યુવતિના લગ્ન રાજસ્થાનમાં ઉદેપુર ખાતે રહેતા રોહિત શ્યામલાલ સિરોયા સાથે ર૦૦૧ના વર્ષમાં લગ્ન થયા હતા લગ્ન સમયે રોહિતના પિતા શ્યામલાલ તથા સાસુ ગીતા શ્યામલાલે મોટી રકમનું દહેજ માગ્યુ હતું અને રોકડ રૂપિયા પણ માંગ્યા હતા.
પુત્રીનો ગૃહસંસાર સારી રીતે ચાલે તે માટે કુસુમના પિતાએ દહેજ ભુખ્યા સાસરિયાઓની તમામ માંગો પુરી કરી હતી અને ત્યારબાદ રાજીખુશીથી લગ્ન કરાવ્યા હતાં. લગ્નના ત્રણ દિવસ બાદથી જ કુસુમ પર પતિ રોહિત તથા સાસુ સસરા અને નણંદ ગીતા તથા પ્રિતી અને અન્ય સાસરિયાઓ દ્વારા ત્રાસ ગુજારવાનું શરૂ કરાયું હતું સાસરિયાઓનો ભૂતકાળ ગુનાહિત હોવાનું પાછળથી ખબર પડી હતી જેના પગલે કુસુમ સતત ડરતી હતી આ દરમિયાનમાં તેને સંતાનો પણ થયા હતા સાસરિયાઓ દ્વારા અસહ્ય ત્રાસ ગુજારાતો હોવા છતાં કુસુમ પોતાના સંતાનો માટે સહન કરતી હતી
જાકે આ અંગે તેણે પોતાના માતા પિતાને જાણ કરી હતી પરંતુ સમય જતા બધુ સરખુ થઈ જશે તેવુ આશ્વાસન આપવામાં આવ્યું હતું. આ દરમિયાનમાં રક્ષાબંધનના પર્વ નિમિત્તે કુસુમ તેના ભાઈને રાખડી બાંધવા અમદાવાદ આવી હતી અહિયા થોડા દિવસ રોકાયા બાદ તે પરત રાજસ્થાન ફરી હતી કુસુમ પોતાના સાસરે પહોચી જતા ફરી એક વખત તેના પર ત્રાસ ગુજારવાનો શરૂ કરાયો હતો આ દરમિયાનમાં તેની તબીયત લથડતા આરોગ્યની તપાસ કરવામાં આવી હતી જેમાં તબીબે તે ગર્ભવતી હોવાનું જણાવ્યું હતું.
કુસુમ ગર્ભવતી બનતા જ સાસરિયાઓ ઉશ્કેરાયા હતા અને તેના પર ચારિત્ર્યના આક્ષેપો કરવા લાગ્યા હતા પતિ તથા સાસુ સસરાએ આક્ષેપ કર્યો હતો કે આ બાળક અમારુ નથી બીજા કોઈનુ છે આવો ગંભીર આક્ષેપ કરતા કુસુમ માનસિક રીતે તુટી પડી હતી આવા આક્ષેપો કર્યા બાદ પતિ અને સાસુ સસરા કુસુમને ઉદેપુરમાં જ ડો. વિજય શર્માના કિલનીક પર લઈ ગયા હતા અને ત્યાં તેની પાસે બળજબરીપૂર્વક ગર્ભપાત કરાવી દીધો હતો.
ગર્ભમાં જ બાળકની હત્યા કરી દેવામાં આવતા કુસુમ આ અંગે પોતાના માતા પિતા તથા ભાઈને જાણ કરી હતી જેના પગલે કુસુમના પરિવારજનો ઉદેપુર પહોંચી ગયા હતા અચાનક જ કુસુમના પરિવારજનો આવતા સાસરિયાઓ ઉશ્કેરાયા હતા અને તેઓને એક રૂમમાં કેદ કરીને માર માર્યો હતો પરંતુ સાસરિયાઓના ચુંગલમાંથી છટકી કુસુમના પરિવારજનો ત્યાંથી બહાર નીકળી ગયા હતા. આ દરમિયાનમાં કુસુમને પણ તેઓ અમદાવાદ લેતા આવ્યા હતા કુસુમે પોતાના પર ગુજારવામાં આવેલા ત્રાસની સંપૂર્ણ હકીકતો જણાવતા આખરે પરિવારજનોએ તમામની વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાનો નિર્ણય કર્યો હતો. કુસુમને લઈ તેના માતા પિતા શાહીબાગ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને ત્યાં (૧) પતિ રોહિત (ર) સસરા શ્યામલાલ (૩) સાસુ ગીતા શ્યામલાલ (૪) નણંદ પ્રિતી જૈન (પ) નણંદ મનીષા (૬)હેમત છાજેડ તથા તેના બે પુત્રો નિખિલ છાજેડ અને વિવેક છાજેડ સામે અત્યાચાર ગુજારવાની ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં કુસુમે ચોંકાવનારા આક્ષેપો કર્યા છે તેણે જણાવ્યું હતું કે તેના સાસરિયાઓ અગાઉ મુંબઈમાં રહેતા હતા અને ત્યાં દાણચોરી સહિતના ગોરખધંધા કરતા હતા જેના પરિણામે તેમની સામે અનેક કેસો પણ નોંધાયેલા છે. પોલીસની કાર્યવાહીથી બચવા આ તમામ લોકો મુંબઈથી ભાગી ઉદેપુર રહેવા આવી ગયા છે આવા ગંભીર આક્ષેપો બાદ શાહીબાગ પોલીસે તમામ સાસરિયાઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.