Western Times News

Gujarati News

માધુપુરામાં પેટ્રોલપંપના કર્મચારી ઉપર હુમલો બચાવવા પડેલાં અન્ય પણ ઈજાગ્રસ્ત

 

લાઈનમાં આવવાનું કહેતા નવ જેટલાં ગુંડાઓએ આંતક મચાવ્યો

(પ્રતિનિધિ) અમદાવાદ 06062019: કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ શહેરમાં ખૂબ જ કથળી ગઈ છે લુખ્ખા તત્વો બેફામ બનીને શહેરીજનોને ડરાવી ધમકાવી રહયા છે જયારે કોઈ નાગરીક તેનો પ્રતિકાર કરે તો આ ગુંડાઓ ટોળકી બનાવીને હથિયારો સાથે હિંસક હુમલા કરે છે શહેરમાં કેટલીય વખત અગાઉ આવા બનાવો નોંધાયા છે.

જેમાં સ્થાનિક ગુંડાઓ દ્વારા સામાન્ય નાગરિકોને માર મારીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરવામાં આવ્યા હોય રોજેરોજ શહેરના વિવિધ વિસ્તારોમાં આવા બનાવો બનવા છતાં શહેરમાં શાંતિ અનુ સુરક્ષા જળવાઈ રહી છે એમ પોલીસ તંત્ર બણગાં ફુંકી રહી છે. પોલીસનું શહેર સુરક્ષીત હોવાની પોલને ખુલ્લી પાડતી વધુ એક ઘટના માધુપુરા પોલીસને ચોપડે નોંધાઈ છે જેમાં પેટ્રોલ ભરાવા માટે લાઈનમાં ઉભા રહેવાનું કહેતા લુખ્ખાએ પોતાના સાગરીતોને બોલાવી પેટ્રોલપંપના કર્મચારી ઉપર હુમલો કરતા યુવાન કર્મચારી ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો જેને ૧૦૮ દ્વારા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જયારે હુમલાખોર શખ્સો ફરાર થઈ ગયા છે.

શાહપુરમાં માસ્ટર પેટ્રોલ પંપ ઉપર અનુદીપસિંહ વિક્રમસિંહ ચાવડા (રહે. શિવરામનગર, અમરાઈવાડી) પેટ્રોલ ભરવાની નોકરી કરે છે ગઈકાલે અનુદીપ પોતાની ફરજ બજાવતા હતા એ સમયે અેક્ટિવા લઈને આવેલા બે શખ્સો પેટ્રોલ ભરાવવાની લાઈનમાં વચ્ચે ઘુસ્યા હતા જેથી અનુદીપસિંહે તેમને લાઈનમાં આવવા જણાવતા બંને શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને અનુદીપસિંહ સાથે ઝઘડો કર્યો હતો

જેના કારણે પેટ્રોલપંપના કર્મચારીઓએ વચ્ચે પડીને છોડાવ્યા હતા જાકે પેટ્રોલ ભરાવવા આવેલા બંને લુખ્ખા તત્વો આટલેથી ન અટકતા તેમણે ફોન કરીને પોતાના અન્ય સાગરીતોને બોલાવ્યા હતા જેથી થોડીવારમાં વધુ ૬ થી ૭ જેટલાં શખ્સો લોખંડની પાઈપો અને અન્ય હથિયારો સાથે આવી પહોંચ્યા હતા તથા અનુદીપસિંહ અને તેમના સાથી કર્મચારીઓ ઉપર હુમલો કર્યો હતો જેમાં કેટલાંક કર્મીઓ ઈજાગ્રસ્ત બની ગયા હતા. જયારે અનુદીપસિંહને લોખંડની પાઈપો માથા હાથ શરીરના અન્ય ભાગો પર વાગતા તે લોહી લુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડયો હતો.

બાદમાં નવેક જેટલા ગુંડાઓ ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા બીજી તરફ ઘાયલ અનુદીપસિંહને ૧૦૮ દ્વારા સિવિલ હોસ્પિટલમાં  ખસેડવામાં આવ્યા હતા જયાં ગંભીર અવસ્થામાં તેમની સારવાર ચાલી રહી છે ઘટનાની જાણ થતાં માધુપુરા પોલીસ હોસ્પીટલના બિછાનેથી અનુદીપસિંહની ફરીયાદ લઈને લુખ્ખા તત્વોની ઓળખ હાથ ધરી છે પોલીસે પેટ્રોલપંપના સીસીટીવી કુટેજ મેળવી હુમલામાં જે વાહનો વપરાયા હતા એના રજીસ્ટ્રેશન નંબર ઉપરથી ગુંડાઓ સુધી પહોંચવા માટે કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.