સિવિલ સર્જન, બે હેડ નર્સ અને સાસરિયા સામે ફરિયાદ
નવસારી: વિજલપોર ખાતે રહેતી અને નવસારી સિવિલ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ-નર્સ તરીકે ફરજ બજાવતી યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યા બાદ એક બાદ એક ખુલાસાઓ થઇ રહ્યાં છે.
આ કેસમાં હવે મૃતક યુવતીની માતાની ફરિયાદ બાદ પોલીસે આપઘાત માટે દુષ્પ્રેરણા, જાતિય સતામણી સહિતનો ગુનો દાખલ કરી હૉસ્પિટલનાં ઇન્ચાર્જ સિવિલ સર્જન, બે હેડ નર્સ અને સાસરિયા સહિત ૫ સામે ફરિયાદ નોંધી વિજલપોર પોલીસે તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, વિજલપોરમાં આવેલા મૂનલાઈટ એપાર્ટમેન્ટમાં મૃતક મેઘા આચાર્ય તેના પતિથી અલગ ભાડે રહેતી હતી. સિવિલ હૉસ્પિટલમાં ફરજ દરમિયાન તેના ઉપરી ડોકટર દ્વારા ત્રાસ અપાતો હોવાનું પણ સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કરાયો હોવાની માહિતી મળી છે.
સાસુ જયશ્રી ખંભાતી વિરૂદ્ધ દહેજ માટે માંગ કરી શારીરિક-માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ
આ સાથે બે હેડ નર્સ પણ તેની પર દબામ કરતી હોવાનો ઉલ્લેખ થયાની ચર્ચા છે. જેથી આ કેસમાં ૨૮ વર્ષીય નર્સ મેઘા આચાર્યને નોકરી દરમિયાન ઈનચાર્જ સિવિલ સર્જન ડો. અવિનાશ દુબે, બે હેડ નર્સ તારા ગામીત અને વનિતા પટેલ વિરૂદ્ધ આપઘાતની દુષ્પ્રેરણા, જાતિય સતામણી, તેના પતિ અંકિત ખંભાતી અને સાસુ જયશ્રી ખંભાતી વિરૂદ્ધ દહેજ માટે માંગ કરી શારીરિક-માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ વિજલપોર પોલીસ મથકમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
૨૮ વર્ષીય મેઘા રાજેન્દ્રભાઈ આચાર્યાએ પોતાના ઘરે જ ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર
વિજલપોર ખાતે રહેતી ૨૮ વર્ષીય મેઘા રાજેન્દ્રભાઈ આચાર્યાએ પોતાના ઘરે જ ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી છે. મેઘા નવસારી સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવી રહી હતી. તેણે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટના સ્થળેથી પાંચ પાનાંની સુસાઇડ નોટ પોલીસે જપ્ત કરી હતી.
પરિવારના સભ્યોએ દીકરીના આપઘાત પાછળ સિવિલ હોસ્પિટલમાં ડ્યૂટી દરમિયાન ત્રાસ અપાતો હોવાના આક્ષેપ કર્યા છે, સાથે જ દીકરીને આપઘાત કરવા મજબૂર કરનારા સામે કાર્યવાહી કરવામાં નહિ આવે ત્યાં સુધી મૃતદેહ નહિ સ્વીકારવાનો પરિવારે ર્નિણય કર્યો હતો. પરંતુ સમજાવટ બાદ તેમણે દીકરીનાં અંતિમ સંસ્કાર કર્યા છે.
મેઘાના રૂમમાં બેડ પરથી પાંચ પાનાની સ્યુસાઈડ નોટ મળી આવી હતી.
જે બાદ યુવતીની માતાએ ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી પ્રમાણે, મેઘાના રૂમમાં બેડ પરથી પાંચ પાનાની સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં મેઘા દ્વારા લખાયેલા અંતિમ શબ્દો મુજબ સિવિલ હોસ્પિટલમાં હેડ નર્સ તરીકે ફરજ બજાવતી તારા ગામીત અને વનીતા પટેલ દ્વારા તેને ભારે ત્રાસ અપાતો હોવાનો ઉલ્લેખ કરાયો હતો. તેમના કારણે જ આત્મહત્યા કરી રહી છું તેવો મેઘાએ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો. આ સ્ટાફ નર્સ વધુ ઉંમરના સિનિયર જોડે શારીરિક સંબંધ બાંધવા પણ દબાણ કરતી હોવાની વાત તેણીએ તેના ડેથ ડેક્લેરેશનમાં લખી હતી.